ગોવાઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગોવાના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે સર્જિકલ સ્ટ્રાઇકને યાદ કરીને કહ્યું કે, તે પાકિસ્તાનને એક સંદેશ હતો કે તેમને કેવી રીતે જવાબ આપી શકાય. જો પાકિસ્તાન આગળ પણ કોઈ હરકત કરશે તો ફરીથી સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવશે. ગોવામાં નેશનલ ફોરેસિંક સાયન્સ યૂનિવર્સિટીના શિલાન્યાસ સમારોહમાં બોલતાં તેમણે આ વાત કરી હતી.
શું બોલ્યા અમિત શાહ
શાહે કહ્યું કે, પૂંછમાં જ્યારે હુમલો થયો ત્યારે પ્રથમ વખત સર્જિકલ સ્ટ્રાઇક કરીને ભારતે વિશ્વને બતાવી દીધું કે ભારતની સરહદ સાથે છેડછાડ કરવું એટલું સરળ નથી. આપણે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો અને આગળ પણ જરૂર પડશે તો આમ કરીશું. નરેન્દ્ર મોદી અને મનોહર પર્રિકરના નેતૃત્વમાં પ્રથમ વખત ભારતે પોતાની સરહદોની સુરક્ષા અને સન્માન સાબિત કર્યું.
મનોહર પર્રિકરને લઈ શું કહ્યું
શાહે ગોવાના પૂર્વ સીએમ મનોહર પર્રિકરને લઈને કહ્યું, સમગ્ર દેશમાં તેમને બે ચીજ માટે હંમેશા યાદ કરવામાં આવશે. તેમણે ગોવાને તેની ઓળખ આપી અને બીજું તેમણે ત્રણેય સેનાઓને વન રેંક, વન પેન્શન આપ્યું.
અમિત શાહ ચૂંટણીમાં ભાજપની તૈયારીઓનું નિરીક્ષણ કરશે
આગામી વર્ષે ફેબ્રુઆરીમાં ગોવામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. અમિત શાહ ગુરુવારે બે સરકારી કાર્યક્રમોમાં ભાગ લેવા તેમજ 2022 ની રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટે ભાજપની તૈયારીઓનો નિરીક્ષણ કરવા ગોવા આવ્યા છે. ભાજપના ગોવાના ચૂંટણી પ્રભારી અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તથા ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ સીટી રવિ શાહની મુલાકાતના બે દિવસ પહેલા આવી પહોંચ્યા હતા. પ્રદેશ ભાજપના અધ્યક્ષ સદાનંદ શેત તનાવડેના જણાવ્યા અનુસાર, શાહ ભાજપની રાજ્ય કોર કમિટી, ધારાસભ્યો અને કાર્યકરો સાથે બેઠકો પણ યોજવાના છે.