Sidhu Moosewala Death Latest Updates: પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યા પાછળ કોણ છે તે અંગે માનસાના SSP ગૌરવ તુરાએ મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું છે કે, કેનેડા સ્થિત ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે આ હત્યાની જવાબદારી લીધી છે. એસએસપીએ કહ્યું કે, 3 ગાડીઓ મુસેવાલાની થાર ગાડી પાસે આવી હતી અને મુસેવાલાને રોક્યો હતો.
મુસેવાલાએ આજે બુલેટપ્રૂફ કાર લીધી નહતો, તેમની પાસે બોડીગાર્ડ પણ નહોતો. મળતી માહિતી મુજબ, મુસેવાલા ઉપર 9 એમએમની પિસ્તોલથી ફાયરિંગ કરવામાં આવ્યું છે. પોલીસે જણાવ્યું કે, ગાડી સિદ્ધુ મુસેવાલા પોતે ચલાવી રહ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે, લોરેન્સ બિશ્નોઈ અને લકી પટિયાલ વચ્ચેના ગેંગ વોરના કારણે મુસેવાલાની હત્યા થઈ છે. લોરેન્સ બિશ્નોઈના સહયોગી ગોલ્ડી બ્રારે આ હત્યાની જવાબદારી સ્વીકારી છે.
પોલીસને કેમ ગેંગ વોરની શંકા?
વિકી મિદુખેડાની 2021માં હત્યા કરવામાં આવી હતી. આ હત્યામાં સામેલ ત્રણ બદમાશો તાજેતરમાં દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ઝડપ્યા હતા. ધરપકડ કરાયેલા બદમાશોના નામ શાર્પ શૂટર સજ્જન સિંહ ઉર્ફે ભોલુ, અનિલ કુમાર ઉર્ફે લથ અને અજય કુમાર ઉર્ફે સન્ની કૌશલ હતા, જેમને પંજાબ પોલીસે તિહાર જેલમાંથી રિમાન્ડ પર લીધા હતા.
ત્રણેય બદમાશોએ પૂછપરછમાં જણાવ્યું હતું કે, આ હત્યામાં એક પ્રખ્યાત સિંગરનો મેનેજર સામેલ હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર તે પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલા હતો. પોલીસને શંકા છે કે વિક્કી મુદુખેરા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની નજીક હતો અને તેના મૃત્યુનો બદલો લેવા માટે લોરેન્સ બિશ્નોઈએ તેના સાગરિતો દ્વારા સિદ્ધુ મુસેવાલાની હત્યા કરાવી હશે. કેનેડામાં બેઠેલો ગેંગસ્ટર ગોલ્ડી દિલ્હી, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે કામ કરે છે.
સિદ્ધુ મુસેવાલા પર લગભગ 7 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં સિદ્ધુનું મોત થયું હતું, આ હુમલામાં 3 અન્ય લોકો ઘાયલ પણ થયા છે. સિદ્ધુ મુસેવાલા ભણવા માટે કેનેડા ગયો હતો, પછી જ્યારે તે પંજાબ પરત ફર્યો તો તે ગાયક બનીને પાછો ફર્યો હતો. સિદ્ધુ મુસેવાલા પણ ઘણા વિવાદો સાથે જોડાયેલ હતો. સિદ્ધુ મુસેવાલાની સુરક્ષા એક દિવસ પહેલા જ પાછી ખેંચી લેવામાં આવી હતી.