India Gets New CDS: ભારતને લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણના રૂપમાં બીજા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે CDS મળ્યા છે. જનરલ બિપિન રાવતના નિધન બાદ 9 મહિનાથી આ પદ ખાલી હતું. સંરક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદન અનુસાર, સરકારે લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ (નિવૃત્ત) ને આગામી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS), ભારત સરકાર, સૈન્ય બાબતોના વિભાગ તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે. તેઓ સેક્રેટરી તરીકે પણ કામ કરશે.


સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, 40 વર્ષથી વધુની કારકિર્દીમાં લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ (નિવૃત્ત)એ અનેક કમાન્ડ સંભાળ્યા છે. અનિલ ચૌહાણની પાસે જમ્મુ-કાશ્મીર અને ઉત્તર-પૂર્વ ભારતમાં આતંકવાદ વિરોધી કામગીરીનો બહોળો અનુભવ છે. જનરલ બિપિન રાવતના અવસાનથી CDSનું લશ્કરી પદ ખાલી હતું. પૂર્વીય કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ તરીકે જનરલ અનિલ ચૌહાણના કાર્યકાળ દરમિયાન, પૂર્વોત્તર ક્ષેત્રમાં આતંકવાદમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો, જેના પરિણામે ઘણા પૂર્વોત્તર રાજ્યોમાં સેનાની તૈનાતીમાં ઘટાડો થયો હતો.


કોણ છે લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) અનિલ ચૌહાણ?


લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણનો જન્મ 18 મે 1961ના રોજ થયો હતો. તેઓ નેશનલ ડિફેન્સ એકેડમી, ખડકવાસલા અને ઈન્ડિયન મિલિટરી એકેડમી, દેહરાદૂનના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેઓ વર્ષ 1981માં ભારતીય સેનાની 11 ગોરખા રાઈફલ્સમાં કમિશન્ડ થયા હતા. લેફ્ટનન્ટ જનરલ ચૌહાણ 1981 થી 2021 સુધી સેનામાં મહત્વપૂર્ણ હોદ્દા પર હતા. તેઓ 40 વર્ષની શાનદાર સેવા બાદ 31 મે 2021ના રોજ આર્મીના ઈસ્ટર્ન કમાન્ડના ચીફ (જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ)ના પદ પરથી સેવા નિવૃત્ત થયા હતા.


પૂર્વ કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ તરીકે લેફ્ટનન્ટ જનરલ ચૌહાણના કાર્યકાળ દરમિયાન, પૂર્વોત્તર ક્ષેત્રમાં આતંકવાદમાં મોટો ઘટાડો થયો હતો. તેમના નેતૃત્વ હેઠળ, ઈસ્ટર્ન કમાન્ડે ભારત-ચીન સરહદે રાષ્ટ્રીય હિતોની રક્ષામાં પોતાની હિંમત દર્શાવી. લેફ્ટનન્ટ જનરલ ચૌહાણ મૂળ ઉત્તરાખંડના છે.


અનિલ ચૌહાણે ઘણા મેડલ મેળવ્યાઃ


લેફ્ટનન્ટ જનરલ ચૌહાણને ઉત્તમ યુદ્ધ સેવા મેડલ, પરમ વિશિષ્ટ સેવા મેડલ, અતિ વિશિષ્ઠ સેવા મેડલ, સેના મેડલ, વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવ્યા છે. ઈસ્ટર્ન કમાન્ડની જવાબદારી સંભાળતા પહેલા લેફ્ટનન્ટ જનરલ ચૌહાણને નવી દિલ્હીમાં ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.


DGMO તરીકે તેમણે 'ઓપરેશન સનરાઈઝ'માં ચીફ સ્ટ્રેટેજિસ્ટની ભૂમિકા ભજવી હતી. આ ઓપરેશનમાં ભારતીય સેનાએ મ્યાનમારની સેના સાથે મળીને સરહદોની નજીક આતંકવાદીઓ વિરુદ્ધ આ ઓપરેશન હાથ ધર્યું હતું. સેનાના ટોચના કમાન્ડરોમાંના એક લેફ્ટનન્ટ જનરલ ચૌહાણ પણ બાલાકોટમાં પાકિસ્તાન વિરુદ્ધ સર્જિકલ સ્ટ્રાઈકની યોજના સાથે સંકળાયેલા હતા.