ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે (MIB) ડિજિટલ પ્લેટફોર્મ પર સ્વચ્છતા જાળવવાના હેતુથી આજે એક અત્યંત મહત્વનો નિર્ણય લીધો છે. ઓનલાઇન અશ્લીલતા અને પોર્નોગ્રાફિક સામગ્રી ફેલાવતી 5 લોકપ્રિય OTT એપ્લિકેશનો પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. દેશના નૈતિક મૂલ્યો અને ખાસ કરીને મહિલાઓ તથા બાળકોના માનસિક સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા માટે, સરકારે આ એપ્સની ભારતભરમાં એક્સેસ બ્લોક કરી દીધી છે. આ કાર્યવાહી તે તમામ પ્લેટફોર્મ્સ માટે એક ચેતવણી સમાન છે જેઓ 'ક્રિએટિવિટી'ના નામે અશ્લીલતા પીરસી રહ્યા છે.

કઈ પાંચ એપ્સ પર પ્રતિબંધ મુકાયો?

માહિતી અને પ્રસારણ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, લાંબી તપાસ અને યોગ્ય પ્રક્રિયા બાદ જે એપ્લિકેશનોને બ્લોક કરવાનો આદેશ અપાયો છે તેમાં નીચે મુજબના નામો સામેલ છે:

Continues below advertisement
Continues below advertisement
  1. MoodXVIP
  2. Koyal Playpro
  3. Digi Movieplex
  4. Feel
  5. Jugnu

આ તમામ એપ્લિકેશનો હવે ગૂગલ પ્લે સ્ટોર (Google Play Store) અને એપલ એપ સ્ટોર (Apple App Store) પરથી હટાવી દેવામાં આવી છે. ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ (ISPs) ને પણ આદેશ અપાયો છે કે તેઓ આ પ્લેટફોર્મ્સના યુઆરએલ (URL) બ્લોક કરે જેથી ભારતીય આઈપી એડ્રેસ પરથી તેને ખોલી ન શકાય.

પ્રતિબંધ પાછળનું કારણ અને કાયદાકીય પાસું

કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ, આ ડિજિટલ પ્લેટફોર્મ્સ પર પ્રસારિત થતી ફિલ્મો અને વેબ સિરીઝના દ્રશ્યો અત્યંત વાંધાજનક અને અશ્લીલ હતા. આ પ્લેટફોર્મ્સ યુઝર્સને આકર્ષવા અને સબ્સ્ક્રિપ્શન દ્વારા મસમોટી આવક મેળવવા માટે સમાજમાં નકારાત્મકતા ફેલાવતા હતા.

સરકારે IT એક્ટ 2000 ની કલમ 67 અને 67A હેઠળ આ કડક પગલું ભર્યું છે. આ કાયદાકીય જોગવાઈઓ ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં કોઈપણ પ્રકારની વાંધાજનક કે અશ્લીલ સામગ્રીના પ્રકાશન અને પ્રસારણ પર પ્રતિબંધ મૂકે છે. વધુમાં, IT નિયમો 2021 (ડિજિટલ મીડિયા એથિક્સ કોડ) અંતર્ગત પણ આ એપ્લિકેશનો નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ રહી હતી.

અત્યાર સુધીમાં કુલ 30 એપ્સ બ્લોક: 2025 ની યાદી પણ લાંબી

આ કોઈ પહેલી ઘટના નથી જ્યારે સરકારે અશ્લીલ કન્ટેન્ટ વિરુદ્ધ લાલ આંખ કરી હોય. તાજેતરમાં બજેટ સત્ર દરમિયાન કેન્દ્રીય રાજ્ય મંત્રી જિતિન પ્રસાદાએ ગૃહમાં માહિતી આપી હતી કે વર્ષ 2025 માં પણ સરકારે 25 જેટલી OTT એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો, જેમાં ALTT, Ullu અને Desiflix જેવા પ્રચલિત નામોનો સમાવેશ થતો હતો.

આ નવી 5 એપ્સના ઉમેરા સાથે, અત્યાર સુધીમાં અશ્લીલ સામગ્રી દર્શાવતી કુલ 30 એપ્સને ભારતમાંથી વિદાય આપી દેવામાં આવી છે. મંત્રાલયે આ નિર્ણય ગૃહ મંત્રાલય અને મહિલા તથા બાળ વિકાસ વિભાગના અધિકારીઓ સાથે ઊંડાણપૂર્વકની ચર્ચા કર્યા બાદ લીધો છે.

ડિજિટલ સુરક્ષા માટે સરકારનું કટિબદ્ધ વલણ

નિષ્ણાતો માને છે કે આ પ્રકારની એપ્સના લાખો ડાઉનલોડ્સ યુવાનોમાં વિકૃત માનસિકતા જન્માવી શકે છે. માત્ર નફા માટે સમાજના સંસ્કારો સાથે છેડા કરનારા આ પ્લેટફોર્મ્સ સામેની લડાઈમાં આ એક મોટી જીત છે. સરકારે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ડિજિટલ સ્પેસમાં પણ કાયદો સર્વોપરી છે અને સ્વતંત્રતાનો અર્થ અશ્લીલતા ફેલાવવાનો નથી.