નવી દિલ્હી: કાશ્મીરના પુલવામા હુમલા બાદ જવાનોની સુરક્ષાને લઇને ગૃહ મંત્રાલયે મહત્વનો નિર્ણય લીધો છે. અર્ધ સૈનિક દળના જવાનોને હવે રજા પર આવવા- જવા માટે હવાઇ યાત્રાની સુવિધા મળશે. નિર્ણય પ્રમાણે જવાનોને શ્રીનગર થી જમ્મુ, જમ્મુ થી શ્રીનગર, જમ્મુથી દિલ્લી અને દિલ્લીથી જમ્મુ આવવા જવા માટે હવાઇ યાત્રાની સુવિધા આપવામાં આવશે.ગૃહમંત્રાલયે ટ્વિટ કરી જાણકારી આપી છે.


કેન્દ્ર સરકારના આ નિર્ણયથી લગભગ સાત લાખ 80 હજાર જેટલા જવાનોને ફાયદો થશે. કેન્દ્રીય સશસ્ત્ર અર્ધસૈનિક દળોના તમામ જવાનો પર આ નિર્ણય લાગુ પડશે. આ નિર્ણય બાદ કૉન્સ્ટેબલ અને હેડ કૉન્સ્ટેબલ અને એસએસઆઈને પણ હવાઇ યાત્રાની સુવિધા મળશે. પહેલા આ શ્રેણીના સુરક્ષાકર્મીઓ માટે આ સુવિધા નહતી.


જર્ની ઓન ડ્યૂટી એટલેકે ડ્યૂટી પર જવા-આવવા અને રજા પર જવા અને આવવા માટે હવાઇ યાત્રાની સુવિધા મળશે. ઉલ્લેખનીય છે કે આ માંગ લાંબા સમયથી કરવામાં આવી રહી હતી. જેને આજે ગૃહમંત્રાલયે સ્વીકારી લીધી છે. ગૃહમંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું કે ડિસેમ્બર 2018માં ફ્લાઇટની સંખ્યા વધારવામાં આવી હતી. પરંતુ તેના બાદ પણ જરૂર પડે તો એરફોર્સની મદદ લેવામાં આવશે.

કોંગ્રેસના PM મોદી પર પ્રહાર- "જ્યારે દેશ રડી રહ્યો હતો, ત્યારે પીએમ ફોટોશૂટમાં વ્યસ્ત હતા"