નવી દિલ્હી: સરકારે બુધવારે જમ્મુ અને કાશ્મીર અનામત અધિનિયમ, 2004નું અને સંશોધન કરનાર જમ્મુ અને કાશ્મીર (બીજું સંશોધન) બિલ, 2019ને પરત લઈ લીધું છે. ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ લોકસભામાં બિલ પરત ખેંચવાની મંજૂરી માંગી હતી અને સંસદની સહમતિ બાદ બિલ પાછું લઈ લીધું હતું. બિલ પર પરત લેવા મામલે ટીએમસીના નેતા સોગત રાયે વિરોધ નોંધાવ્યો હતો.


સોગત રાયે કહ્યું કે, આ બિલ જમ્મુ કાશ્મીરમાં આર્થિક રીતે કમજોર વર્ગના લોકોને અનામત અપાવનારું હતું. તેમાં કંઈ ખોટું નહોતું. સરકારે આ બિલને પરત લેવાનું કોઈ કારણ જણાવ્યું નથી.

તેના જવાબમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે આ બિલ રાજ્યસભા દ્વારા પાસ કરવામાં આવ્યું છે અને સરકારે ગત 6 ઓગસ્ટે ગૃહમાં જણાવ્યું હતું કે શા માટે બિલ પરત લેવામાં આવ્યું.

ઉલ્લેખનીય છે કે, સંસદે ગત 6 ઓગસ્ટે જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવી દીધી હતી. અને જમ્મુ કાશ્મીરના બે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર તથા લદ્દાખમાં વિભાજીત કરનારા બિલેન મંજૂરી આપી હતી. ગૃહમંત્રી અમિત શાહે ત્યારે લોકસભામાં જમ્મુ કાશ્મીર આરક્ષણ (બીજું સંશોધન) બિલ 2019ને પરત લેવાની મંજૂરી માંગી હતી જેને સદને મંજૂરી આપી હતી.