સરકારે તાવ, શરદી, એલર્જી અને પીડા માટે ઉપયોગમાં લેવાતી 156 ફિક્સ ડોઝ કોમ્બિનેશન (FDC) દવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. હવે આ દવાઓ બજારમાં વેચવામાં આવશે નહીં. સરકારે કહ્યું કે આ દવાઓ સ્વાસ્થ્ય માટે ખતરનાક બની શકે છે.


FDC એ એવી દવાઓને કહેવામાં આવે છે જેને બે અથવા બેથી વધુ દવાઓને નિશ્ચિત પ્રમાણમાં મિશ્રણ કરીને તૈયાર કરવામાં આવે છે. હાલમાં આવી દવાઓનો ઉપયોગ મોટા પાયે થઈ રહ્યો છે. આને કોકટેલ દવાઓ પણ કહેવામાં આવે છે.


પેરાસીટામોલ પર લાગ્યો પ્રતિબંધ


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા 12 ઓગસ્ટના રોજ જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, સરકારે ફાર્મા કંપનીઓ દ્વારા નિર્મિત દવાઓના રૂપમાં ઉપયોગમાં આવતી Aceclofenac 50 mg + Paracetamol 125 mg ટેબલેટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.


પ્રતિબંધિત એફડીસીમાં મેફેનામિક એસિડ + પેરાસિટામોલ ઇન્જેક્શન, સેટ્રીજીન એચસીએલ + પેરાસિટામોલ + ફેનિલફ્રીન એચસીએલ, લેવોસેટ્રીજીન + ફેનિલફ્રીન એચસીએલ + પેરાસિટામોલ + ફ્લોરફેનિરામાઇન મેલેટ + ફેનિલ પ્રોપેનોલામાઇન અને કેમિલોફિન ડાઇહાઇડ્રોક્લોરાઇડ 25 મિલિગ્રામ, પેરાસિટામોલ 300 મિલીગ્રામ પણ સામેલ છે.


પેરાસિટામોલ, ટ્રામાડોલ, ટારીન અને કેફીનનું મિશ્રણ પણ પ્રતિબંધિત છે


કેન્દ્રએ પેરાસિટામોલ, ટ્રામાડોલ, ટારીન અને કેફીનના મિશ્રણ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. ટ્રામાડોલ એ પેઇન કિલર છે. સૂચના અનુસાર, આરોગ્ય મંત્રાલયને જાણવા મળ્યું હતું કે FDC દવાઓનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે જોખમી હોઈ શકે છે. જ્યારે સલામત વિકલ્પો ઉપલબ્ધ છે. કેન્દ્ર દ્વારા નિયુક્ત નિષ્ણાત સમિતિ દ્વારા મામલાની તપાસ કરવામાં આવી હતી.


FDC ખતરનાક બની શકે છે


ડ્રગ ટેકનિકલ એડવાઈઝરી બોર્ડ (ડીટીએબી) એ પણ આ એફડીસીની તપાસ કરી અને ભલામણ કરી કે આ એફડીસી માટે કોઈ વાજબીપણું નથી.    


નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે FDCથી ખતરો હોઈ શકે છે. તેથી જાહેર હિતમાં આ FDCના ઉત્પાદન, વેચાણ અથવા વિતરણ પર પ્રતિબંધ મૂકવો જરૂરી છે. આ સૂચિમાં કેટલીક દવાઓનો સમાવેશ થાય છે જે ઘણા દવા ઉત્પાદકો દ્વારા પહેલાથી જ બંધ કરવામાં આવી છે.


અગાઉ પણ 14 FDC પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો


ગયા વર્ષે જૂનમાં પણ 14 FDC પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સરકારે 2016માં 344 FDCના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધની જાહેરાત કરી હતી. આ નિર્ણયને ફાર્માસ્યુટિકલ કંપનીઓએ કોર્ટમાં પડકાર્યો હતો.