નવી દિલ્હીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે બુધવારે ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્રિય કેબિનેટે વર્ષ 2022-23 ની સીઝન માટે રવી પાકની MSPમાં વધારો કર્યો છે. કૃષિ કાયદાને લઇને ખેડૂતો દ્ધારા કરવામાં આવી રહેલા આંદોલન વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે ઘઉં માટે એમએસપીમાં 40 રૂપિયાનો વધારો કર્યો છે. જે હવે 2015 રૂપિયા સુધી પહોંચી ગયો છે જ્યારે જવની એમએસપીમાં 35 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.



સરકારે જણાવ્યું કે મસૂર, તેલિબિયા અને રાઇ (400 રૂપિયા પ્રતિ ક્વિન્ટનનો વધારો)ના એમએસપીમાં છેલ્લા વર્ષની તુલનામાં ઉચ્ચત્તમ વધારો કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે ખેડૂતો 10 મહિના અગાઉથી દિલ્હીની અલગ અલગ સરહદો પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.


 






કેન્દ્રિય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, કાપડ ઉદ્યોગ માટે પીએલઆઇ સ્કીમને મંજૂરી આપવામાં આવી છે. સરકાર પાંચ વર્ષ સુધી 10,683 કરોડ રૂપિયાનું પેકેજ આપશે. આ સાથે જ માર્કેટિંગ સિઝન 2022-23 માટે રવી પાકના લઘુત્તમ સમર્થન મૂલ્ય (એમએસપી)નો વધારો કરવામાં આવ્યો છે.


મંત્રી ઠાકુરે કહ્યું કે આ યોજનાથી સ્થાનિક ઉત્પાદન અને નિકાસને વેગ મળશે. કેન્દ્ર સરકારે PLI સ્કીમને મંજૂરી આપી છે જે માનવ નિર્મિત ફાયબર સેગમેન્ટ અને ટેકનિકલ ટેક્સટાઇલ માટે છે. આ યોજના માટે આશરે 11 હજાર કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે. કાપડ ક્ષેત્ર માટે પીએલઆઇ યોજના બજેટ 2021-22માં 13 ક્ષેત્રો માટે કરવામાં આવેલી જાહેરાતોનો હિસ્સો છે. બજેટમાં 13 ક્ષેત્રો માટે 1.97 લાખ કરોડ રૂપિયાની યોજનાઓ જાહેર કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે આ નિર્ણયથી 7 લાખ લોકો માટે નોકરીની તકો ઉભી થશે. આ સાથે નિકાસમાં પણ વધારો થશે. મેન મેડ ફાઇબર (MMF) ભારતની કાપડની નિકાસમાં માત્ર 20 ટકા ફાળો આપે છે. માનવસર્જિત ફાઇબર એપેરલ માટે 7,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે અને ટેક્નિકલ કાપડ માટે લગભગ 4,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.