હિન્દુસ્તાન ટાઈમ્સમાં સરકારી સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, સરકાર ઇનકમ ટેક્સના કાયદાને સરળ બનાવીને ટેક્સ દરને તર્કસંગત બનાવવાની દિશામાં કામ કરી રહી છે. ડાયરેક્ટ ટેક્સ કોડ માટે બનેલ ટાક્સ ફોર્સની ભલામણોને ધ્યાનમાં રાખતા એક અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે, જે 19 ઓગસ્ટે દાખલ કરવામાં આવ્યો છે.
અહેવાલ અનુસાર, અધિકારીઓએ જણાવ્યું કે, આ નિર્ણયથી સરકારી ખજાના પર કેટલો ભાર પડશે, એ વાતને ધ્યાનમાં રાખીને જુદા જુદા વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જોકે, પ્રયત્ન એ છે કે કરદાતાને ઓછામાં ઓછો 5 ટકાનો લાભ મળશે.
જે વિકલ્પ પર વિચાર કરવામાં આવી રહ્યો છે, તેમાંથી એક તો એ છે કે 5 લાખથી 10 લાખ રૂપિયા સુધીની ટેક્સેબલ કરદાતાઓને 10 ટકા ટેક્સ સ્લેબમાં લાવવામાં આવે. હાલમાં આ શ્રેણી માટે 20 ટકા ટેક્સ સ્લેબ છે. અન્ય વિકલ્પની વાત કરીએ તો તેમાં સેસ અથવા સરચાર્જને હટાવવા અથવા અન્ય ટેક્સ છૂટ આપવું સામેલ છે. ઉપરાંત સૌથી મોટો ટેક્સ સ્લેબ 30 ટકાને ઘટાડીને 25 ટકા કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.
નિષ્ણાંતોનું માનવું છે કે, ટેક્સ રેટને લઈને અંતિમ નિર્ણયની દિવાળી પહેલા જાહેરાત કરવામાં આવી શકે છે. સરકારને આશે છા કે તેના કારણે માગમાં તાત્કાલીક ઉછાળો જોવા મળશે અને ગ્રોથને ગતિ મેળવવામાં મદદ મળશે. નોંધનીય છે કે, ભારતની અર્થવ્યવસ્થાની વૃદ્ધિ જૂન ક્વાર્ટરમાં વિતેલા છ વર્ષના તળિયે એટલે કે 5 ટકા પર પહોંચી ગઈ હતી.