નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહાસંકટના કારણે કેન્દ્ર સરકારે કેન્દ્રિય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો રોકી દીધો છે. આ મામલા પર હવે કોગ્રેસે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. કોગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, મોદી સરકાર કોરોના સંકટ વચ્ચે ઇજા પર મીઠું લગાવવાનું કામ કરી રહી છે. કોગ્રેસ નેતાએ કહ્યું કે, સરકાર તરફથી સંરક્ષણ બજેટમાં કાપ મુકવામાં આવ્યો છે  જે પુરી રીતે ખોટું છે. એક તરફ તો સરકાર સંરક્ષણ બજેટ ઘટાડી રહી છે તો બીજી તરફ પોતાના મોટા-મોટા પ્રોજેક્ટ્સને રોકવાના નિર્ણય કરી રહી નથી.




સુરજેવાલાએ કહ્યું કે, સરકારને આ સમયે સેન્ટ્રલ વિઝ્ટા પ્રોજેક્ટ, બુલેટ ટ્રેન પ્રોજેક્ટને રોકી દેવા જોઇએ. જેના પર લાખો કરોડ રૂપિયા ખર્ચ થઇ રહ્યા છે. જેનો ઉપયોગ કોરોના સામેની લડાઇમાં થવો જોઇએ. કોગ્રેસે માંગ કરી હતી કે કેન્દ્રિય કર્મચારીઓ, પેન્શનધારકો પર જે અસર પડી રહી છે તે ખોટી છે. સરકારે કાપ મુકવાનો નિર્ણય પાછો ખેંચવો જોઇએ. આ કાપથી સેનાઓ, 15 લાખ સૈનિકો અને લગભગ 26 લાખ મિલિટ્રી પેન્શનરોના 11 હજાર રૂપિયા કાપી લેવામાં આવ્યા છે. કોગ્રેસ નેતાએ કહ્યું કે, મોદી સરકાર ખોટા ખર્ચા અને બિન જરૂરી ખર્ચા  પર કાપ મુકવાના બદલે સૈનિકો, સરકારી કર્મચારીઓ, પેન્શનરો અને મધ્યમ વર્ગની આવક પર કાપ મુકી રહી છે.