નવી દિલ્હીઃ અનામતને લઇને સુપ્રીમ કોર્ટના આદેશ પર વિપક્ષોએ સરકાર પર નિશાન સાધ્યું છે અને લોકસભામાં હોબાળો મચાવ્યો હતો. લોકસભામાં વિપક્ષે આ મુદ્દા પર કેન્દ્ર સરકારને ઘેરી હતી. જેના કારણે લોકસભામાં બોલતા કેન્દ્રિય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી થાવર ચંદ્ર ગેહલોતે કહ્યું કે, સરકાર આ મામલા પર ઉચ્ચ સ્તરીય ચર્ચા કરશે.


કેન્દ્રિયમંત્રીએ કહ્યું કે, આ મામલામાં કેન્દ્ર સરકાર પાર્ટી નથી. સાથે કહ્યુ કે, આ આદેશ 2012માં ઉત્તરાખંડ સરકારના નિર્ણય પર આવ્યો છે જ્યારે રાજ્યમાં કોગ્રેસની સરકાર હતી. જ્યારે લોકસભામાં કેન્દ્રિય મંત્રી ગેહલોત બોલી રહ્યા હતા ત્યારે કોગ્રેસના તમામ સાંસદોએ બહિષ્કાર કર્યો હતો અને વોકઆઉટ કર્યુ હતું.


સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું હતું કે, પ્રમોશનમાં અનામત મૌલિક અધિકાર નથી અને આ માટે રાજ્ય સરકારને મજબૂર કરી શકાય નહીં. જસ્ટિસ એલ નાગેશ્વર રાવ અને જસ્ટિસ હેમંત ગુપ્તાની બેન્ચે કહ્યુ હતું કે, પ્રમોશનમાં અનામત નાગરિકોનો મૌલિક અધિકાર નથી અને આ માટે રાજ્ય સરકારોને બાધ્ય કરી શકાય નહીં. એટલું જ નહીં કોર્ટ પણ સરકારને આ માટે મજબૂર કરી શકે નહીં.