કેન્દ્ર સરકારના નવા આદેશથી કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડિત લોકોને થોડી રાહત મળી છે. મોંઘી દવાઓ અને મોંઘી સારવારથી છૂટકારો આપવા માટે સરકારે ફાર્માસ્યુટિકલ કંપનીઓને ત્રણ કેન્સર વિરોધી દવાઓના ભાવ ઘટાડવા કહ્યું છે જેથી ગ્રાહકોને કસ્ટમ ડ્યુટી અને જીએસટીમાંથી છૂટનો ફાયદો મળી શકે. મંત્રાલયે કહ્યું હતું કે બજારમાં આ દવાઓની MRP ઘટાડવી જોઈએ અને ઓછા ટેક્સ અને ડ્યૂટીનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડવો જોઈએ.
ટ્રસ્ટુઝુમૈબ, ઓસિમેરટિનિબ અને ડર્વાલુમૈબ આ દવાઓની કિંમત ઘટાડવાના નિર્દેશ
પોષણક્ષમ ભાવે દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાની તેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) એ સંબંધિત દવા ઉત્પાદકોને પત્ર લખીને ત્રણ કેન્સર વિરોધી દવાઓ એટલે કે ટ્રસ્ટુઝુમૈબ, ઓસિમેરટિનિબ અને ડર્વાલુમૈબના ભાવ ઘટાડવાનો નિર્દેશ આપ્યો છે.
ત્રણેય દવાઓ પર કસ્ટમ ડ્યુટી શૂન્ય કરવાના નિર્દેશ અપાયા
રસાયણ અને ખાતર મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, સામાન્ય બજેટ 2024-25માં કરવામાં આવેલી જાહેરાત હેઠળ આ ત્રણેય કેન્સર વિરોધી દવાઓને કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવી રહી છે. 23 જૂલાઈના રોજ નાણા મંત્રાલયના મહેસૂલ વિભાગે ત્રણેય દવાઓ પર કસ્ટમ ડ્યુટી ઘટાડીને શૂન્ય કરવાની સૂચનાઓ જાહેર કરી હતી. તદનુસાર, આ ત્રણ દવાઓની મહત્તમ છૂટક કિંમતમાં ઘટાડો થશે અને ગ્રાહકોને કર અને ડ્યુટીમાં ઘટાડાનો લાભ મળશે.
કિંમતમાં ફેરફાર અંગેની માહિતી NPPAને સબમિટ કરવાની રહેશે
મંત્રાલયે જણાવ્યું હતું કે ઉત્પાદકોએ ડીલરો, રાજ્ય દવા નિયંત્રકો અને સરકારને આ ફેરફારો દર્શાવતી કિંમત સૂચિ અથવા પૂરક ભાવ સૂચિ જાહેર કરવી પડશે અને NPPAને કિંમતમાં ફેરફાર વિશે માહિતી સબમિટ કરવી પડશે.
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ભાવ ઘટાડવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ અને જીએસટીના દરમાં ઘટાડાથી બજારમાં આ દવાઓની એમઆરપીમાં ઘટાડો થવો જોઈએ અને ટેક્સ અને ડ્યૂટીમાં ઘટાડાનો લાભ ગ્રાહકોને મળવો જોઈએ. તેથી NPPA દ્વારા સોમવારે ઓફિસ મેમોરેન્ડમમાં ઉપરોક્ત દવાઓના તમામ ઉત્પાદકોને આ દવાઓની MRP ઘટાડવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. લોકસભામાં 2024-25 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કરતા નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ટ્રસ્ટુઝુમૈબ, ઓસિમેરટિનિબ અને ડર્વાલુમૈબ પરની કસ્ટમ ડ્યૂટી 10 ટકાથી ઘટાડીને શૂન્ય કરવાની દરખાસ્ત કરી હતી.
સાયબર ક્રાઈમને લઈ સરકારે 4 આંકડાનો હેલ્પલાઈન નંબર જાહેર કર્યો