નવી દિલ્હીઃ દેશમાં કોરોનાથી મુક્ત થયેલા દર્દીઓમાં બ્લેક ફંગસ (મ્યુકરમાઇકોસિસ), વ્હાઇટ ફંગસ બાદ હવે વધુ એક પ્રકારની ફંગસ જોવા મળી છે. જેમાં દર્દીને તાત્કાલિક એરલિફટ કરીને ઇન્દોરથી મુંબઈ ખસેડવામાં આવ્યો છે. ઈન્દોરની ઓરબિંદો હોસ્પિટલમાં દોઢ મહિનાથી 34 વર્ષીય કોરોના દર્દી સારવાર લેતો હતો. તેના ફેફસામાં 90 ટકા ઈન્ફેકશન હતું. રિપોર્ટ કરાવતાં તેના ફેફસામાં ગ્રીન ફંગસ હોવાનું સામે આવ્યું હતું. જે બ્લેક કે મ્યુકરમાઇકોસિસથી અલગ ફંગસ છે. કદાચ દેશનો પ્રથમ ગ્રીન ફંગસનો કેસ હોઇ શકે છે તેમ ઈન્દોર હેલ્થ ડિપાર્ટમેન્ટના ડિસ્ટ્રીક્ટ ડેટા મેનેજર અપૂર્વા ત્રિવેદીએ જણાવ્યું હતું.


બ્લેક ફંગસથી પણ વધુ જોખમી છે ગ્રીન ફંગસ


આ દર્દીના જમણા ફેફસામાં રસી થઈ ગયું હતું. ફેફસા અને સાઇનસમાં એસપરજિલસ ફંગસ થઈ ગયો હતો, જેને ગ્રીન ફંગસ કહેવાય છે. નિષ્ણાતોના મતે ગ્રીન ફંગસ બ્લેક ફંગસથી પણ વધુ જોખમી છે. તેથી દર્દીની સ્થિતિ સતત ખરાબ થઈ રહી હતી. દર્દીના મળમાં લોહી આવતું હતું અને તાવ પણ 103 ડિગ્રી હતો. એમ્ફોટેરેસીન બી ઈંજેક્શન પણ ગ્રીન ફંગસ પર કામ કરતું નથી.


ગ્રીન ફંગસ શું છે


ગ્રીન ફંગસ અથવા એસ્પરગિલોસિસ ( Aspergillosis)એ ખુબ દુર્લભ સંક્રમણ છે. સામાન્ય રીતે જોવા મળતી ફંગસની પ્રજાતિને કારણે આ સંક્રમણ જોવા મળે છે, જેને એસ્પરગિલોસિસ કહેવામાં આવે છે. આ ફુગ ઘરની અંદર અને ઘરની બહાર પણ  જોવા મળે છે અને મોટાભાગના લોકો દરરોજ એસ્પરગિલોસિસ( Aspergillosis)ને શ્વાસમાં લે છે. એસ્પરગિલોસિસ(Aspergillosis)ના રંગને રોગોના વધતા જતા લીસ્ટમાં સામેલ કરવામાં આવ્યો છે. દેશમાં બ્લેક ફંગસ, સફેદ ફંગસ અને પીળા રંગની ફંગસના કેસો દેશમાં વધતી જતી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. જ્યારે ફંગલ સંક્રમણને અલગ-અલગ રંગોના નામ આપવામાં આવ્યા છે. તે ફંગસની એક પ્રજાતિના કારણે થાય છે.


ગ્રીન ફંગસના લક્ષણો શું છે


એસ્પરગિલોસિસ (Aspergillosis) ફંગસના સુક્ષ્મ બીજાણુંઓ શ્વાસ લેવાથી થઈ શકે છે, જ્યારે સામાન્ય પરિસ્થતિમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ શરીરની અંદરના કોઈ પણ બીજાણુંનો વિકાસ દબાવી દે છે. કેટલાક કિસ્સાઓમાં બીજાણુંઓ વિકાસને દબાવવા સક્ષમ હોતા નથી. ઓછી રોગપ્રતિકારક શક્તિ (immunity)વાળા લોકો અને ફેફસાની બિમારીથી સ્વસ્થ થયેલા લોકોમાં એસ્પરગિલોસિસ થવાનું જોખમ વધારે છે. COVID-19 સંક્રમિત લોકોમાં ફંગલ ઈન્ફેક્શન (Fungal infections)ની સંખ્યામાં વધારો થવાના વિવિધ કારણ જણાવ્યા છે. ફંગલ એક વ્યક્તિમાંથી અન્ય વ્યક્તિ અથવા પ્રાણીઓ વચ્ચે ફેલાતો નથી. એસ્પરગિલોસિસ સંક્રમણમાં કફ, છાતીનો દુખાવો, તાવ, લોહીની ખાંસી, શ્વાસ ચઢવો જોવા લક્ષણો હોઈ શકે છે. જે દર્દીઓને તાજેતરમાં જ શ્વાસની બિમારીથી પીડાય છે, જેમકે કોરોના અથવા રોગપ્રતિકારક શક્તિ નબળી છે. તેઓએ સાવચેત રહેવાની સાથે-સાથે N95 માસ્ક પહેરવું  જરુરી છે.