નવી દિલ્લીઃ તમિલનાડુમાં કુનૂર નજીક દેશના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતને લઈને જતું હેલિકોપ્ટર ક્રેશ થતાં જનરલ રાવત ઉપરાંત તેમનાં પત્ની મધુલિકા રાવત સહિત 13 લોકોનાં નિધન થઈ ગયાં છે. આ દુર્ઘટનામાં ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ જ બચી ગયા છે.  ગ્રુપ કેપ્ટન વરુણ સિંહને ગંભીર ઈજાઓ સાથે વેલિંગ્ટનની મિલિટરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં આખો દેશ ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ બચી જાય એ માટે પ્રાર્થના કરી રહ્યો છે. ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ  કોંગ્રેસના ટોચના નેતા અને પ્રવક્તા અખિલેશ પ્રતાપ સિંહના ભત્રીજા છે.












ભારતીય વાયુસેનાએ આપેલી માહિતી પ્રમાણે, સૈન્ય હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઘાયલ થયેલા અને મોત સામે જંગ ખેલી રહેલા ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ વેલિંગ્ટનસ્થિત ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજમાં ડાયરેક્ટિંગ સ્ટાફ છે.







ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ શૌર્ય ચક્રથી સન્માનિત વીર છે2020માં એક હવાઈ ઈમર્જન્સી દરમિયાન એલસીએ તેજસ ફાઈટર પ્લેનને વરુણ સિંહને બચાવ્યું હતું. આ પરાક્રમ માટે ગ્રુપ કેપ્ટન વરુણ સિંહને  શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વર્ષે સ્વતંત્રતા દિવસના રોજ કેપ્ટન વરુણ સિંહને શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વરુણ સિંહ ઉત્તરપ્રદેશના દેવરિયા જિલ્લાના રુદ્રપુર તાલુકાના ખોરમા કન્હૌલી ગામના રહેવાસી છે. જો કે વેલિંગ્ટનમાં પોસ્ટિંગ હોવાના કારણે તેમનો આખો પરિવાર તામિલનાડુમાં રહે છે.


ઈન્ડિયન એરફોર્સના જણાવ્યા મુજબ, સીડીએસ રાવત બુધવારે સ્ટાફ કોર્સ ફેકલ્ટી અને સ્ટુડન્ટ્સને સંબોધિત કરવા માટે વેલિંગ્ટન સ્થિત મિલિટરી સ્ટાફ કોલેજની મુલાકાતે જઈ રહ્યા હતા. આ દરમિયાન બપોરે વાયુસેનાનું MI-17V5 હેલિકોપ્ટર તામિલનાડુના કુનૂર નજીક તૂટી પડતાં જનરલ રાવત અને તેમનાં પત્નિ સહિત 13 લોકોનાં નિધન થયાં હતાં.


 સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે દુર્ઘટનામાં બચી ગયેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ માટે પ્રાર્થના કરતાં કહ્યું હતું કે, આ દુર્ઘટનામાં પોતાનાં પ્રિયજનોને ગુમાવનારા પરિવાર પ્રત્યે મારી સંવેદના છે. ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ જલદીથી સ્વસ્થ થઈ જાય એવી પ્રાર્થના કરું છું. તેમની હાલ આર્મી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.