Gujarat local body election: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે પરિણામો નિરાશાજનક નથી. તેમણે સ્વીકાર્યું કે 2018ની સરખામણીમાં પરિસ્થિતિ બદલાઈ છે, પરંતુ સાથે જ બેઠકોમાં વધારો થયો હોવાનું જણાવ્યું હતું. ગોહિલે જૂનાગઢ મહાનગરપાલિકામાં કોંગ્રેસની જીતને ઉજાગર કરી અને ચૂંટણીમાં થયેલા કથિત કાવાદાવાઓનો મુદ્દો ઉઠાવ્યો હતો.
શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, "2018માં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી, ત્યારે કોંગ્રેસ પાસે 78 ધારાસભ્યો હતા અને વાતાવરણ પણ સારું હતું. આજે જ્યારે અમારી પાસે માત્ર 12 ધારાસભ્યો છે, ત્યારે પરિણામો જોતા નિરાશા થતી નથી." તેમણે ઉમેર્યું કે, "2018ની સરખામણીમાં આ વખતે કોંગ્રેસની શીટમાં વધારો થયો છે, જે સકારાત્મક સંકેત છે."
જૂનાગઢની જીત અને જનતાનો આભાર
ગોહિલે જૂનાગઢ મહાનગરપાલિકામાં કોંગ્રેસના પ્રદર્શનની ખાસ પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે, "2018માં જૂનાગઢ મહાનગરપાલિકામાં કોંગ્રેસનો માત્ર એક કોર્પોરેટર હતો, જ્યારે આ વખતે 11 કોર્પોરેટરની જીત થઈ છે. જૂનાગઢ વાસીઓએ જે પ્રેમ આપ્યો છે, તે માટે હું તેમનો આભાર માનું છું."
ચૂંટણીમાં કાવાદાવાનો આક્ષેપ
જો કે, શક્તિસિંહ ગોહિલે ચૂંટણી પ્રક્રિયામાં અનિયમિતતાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો કે, "લોકશાહીમાં માન્ય નથી તેવા કાવાદાવા થયા છે." ગોહિલે વધુમાં જણાવ્યું કે, "અમારા ઉમેદવારે સ્ટિંગ ઓપરેશન કર્યું હતું, જેમાં ફોર્મ પરત ખેંચવા માટે 7.50 લાખથી 3.50 લાખમાં સેટલમેન્ટ કરવામાં આવ્યું હતું." તેમણે આ ઘટનાઓ અંગે વધુ વિગતો આપ્યા વિના તપાસની માંગણી કરી હતી.
નિષ્ઠાવન કાર્યકરોને અભિનંદન
અંતમાં, શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસના કાર્યકરો અને ઉમેદવારોને તેમની નિષ્ઠા માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, "ખૂબ નિષ્ઠાથી અમારા કોંગ્રેસના ઉમેદવાર ઊભા રહ્યા, તે તમામ લોકોને હું અભિનંદન આપું છું." તેમણે પક્ષના કાર્યકરોને ભવિષ્યમાં વધુ મહેનત કરવા અને લોકોનો વિશ્વાસ જીતવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
આમ, શક્તિસિંહ ગોહિલે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પરિણામોને મિશ્ર પ્રતિસાદ આપ્યો હતો. એક તરફ બેઠકો વધવાને કારણે સંતોષ વ્યક્ત કર્યો હતો, તો બીજી તરફ ચૂંટણીમાં ગેરરીતિઓ થઈ હોવાનો આક્ષેપ કરીને રાજકીય ગરમાવો લાવી દીધો હતો.
આ પણ વાંચો....
ભાજપની દાનથી ધમધોકાર કમાણી: 2024માં 4340 કરોડ એકત્ર કર્યા, જાણો કોંગ્રેસ અને AAP ને કેટલા મળ્યા?