તાપીઃ રાજ્યની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણી માટે આજે વોટિંગ થઈ રહ્યું છે. બપોરે 12 વાગ્યા સુધીમાં સરેરાશ 22 ટકા મતદાન થયું છે. આ દરમિયાન રાજ્યમાં ક્યાંક ઘર્ષણના પણ બનાવ બન્યા છે.


વ્યારાનગર પાલિકા વિસ્તારના વોર્ડ નંબર 3 માં બીજેપી અને અપક્ષના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. વોર્ડ નંબર 3 ના ઢોળીયાવાડ વિસ્તારમાં બંન્ને પક્ષના કાર્યકરો સામસામે આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવી બંદોબસ્ત ગોઠવ્યો હતો.

આ પહેલા ભાવનગરના વલભીપુરમાં મતદાન મથકની બહાર મારામારી થઈ હતી. બંને મહિલા ઉમેદવારના પતિઓ વચ્ચે મારામારી થઈ હતી. વલભીપુર હાઇવે પાસે આવેલ હાઈસ્કૂલની બહાર ઝપાઝપી થઈ હતી. ભાજપના મહિલા ઉમેદવારના પતિએ માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. આપના મહિલા ઉમેદવારના પતિને માર મારવામાં આવ્યો હતો. મારામારીને પગલે લોકોના ટોળા એકઠા થયા હતા. આમ આદમી પાર્ટીના ઉમેદવારના પતિને લોકો બહાર લઈ આવ્યા હતા.