universal affidavit gujarat: ગુજરાતના લોકોને સરકારી કામકાજમાં પડતી એક મોટી મુશ્કેલીનો હવે કાયમી અંત આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે નાગરિક સેવાઓને વધુ સરળ અને પારદર્શક બનાવવા માટે સમગ્ર રાજ્યમાં 1 જ સમાન 'યુનિવર્સલ એફિડેવિટ' લાગુ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. હવેથી કોઈ પણ સરકારી કામ, દાખલા કે યોજનાનો લાભ લેવા માટે અલગ-અલગ લખાણવાળા સોગંદનામા (એફિડેવિટ) કરાવવાની માથાકૂટ નહીં રહે. કાયદા વિભાગે ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં એક નવું સ્ટાન્ડર્ડ ફોર્મેટ જાહેર કર્યું છે, જે આખા ગુજરાતમાં બધે જ માન્ય ગણાશે.
ક્યાં લાગુ પડશે આ નવો નિયમ?
સરકારના નવા નિયમ મુજબ, જે સરકારી સેવાઓ મેળવવા માટે કાયદાકીય રીતે એફિડેવિટ આપવું જરૂરી હોય, પણ તેનું કોઈ ચોક્કસ ફોર્મેટ પહેલેથી નક્કી ન હોય, ત્યાં હવે આ નવું 'યુનિવર્સલ એફિડેવિટ' જ ચાલશે. અત્યાર સુધી અરજદારોએ અલગ-અલગ વિભાગોની સેવાઓ માટે જુદા-જુદા પ્રકારના એફિડેવિટ કરાવવા પડતા હતા. દસ્તાવેજોની આ આંટીઘૂંટીના કારણે સામાન્ય જનતાનો ઘણો સમય બગડતો હતો અને સરકારી કામમાં પણ વિલંબ થતો હતો. આ નવી સિસ્ટમથી લોકોને આ હાલાકીમાંથી મુક્તિ મળશે.
બધી જ સરકારી કચેરીઓ અને પોર્ટલ પર સ્વીકારાશે
આ નવું એફિડેવિટ રાજ્યના તમામ જિલ્લા, તાલુકા, ગ્રામ્ય પંચાયતો અને શહેરી વિસ્તારોમાં આવેલી તમામ સરકારી કચેરીઓ અને સેવા કેન્દ્રોમાં સ્વીકારવામાં આવશે. આ સાથે જ 'ડિજિટલ ગુજરાત' પોર્ટલ અને તમામ જન સેવા કેન્દ્રો પર પણ આ જ ફોર્મેટનો ફરજિયાત અમલ શરૂ થઈ જશે. એટલે કે ઓનલાઇન અરજી કરનારા લોકોને પણ આનો સીધો ફાયદો થશે.
આ પણ વાંચોઃ પ્રજાને ધક્કા ન ખવડાવો, કામ થતું હોય તો તરત કરો, નહીંતર ના પાડો: સીએમ ભૂપેન્દ્ર પટેલની કડક સૂચના
જ્યાં જરૂર નથી, ત્યાં માત્ર 'સ્વઘોષણા' જ ચાલશે
સરકારે એ પણ ખાસ સ્પષ્ટ કર્યું છે કે, જે સરકારી સેવાઓ મેળવવા માટે કાયદા મુજબ એફિડેવિટની કોઈ જરૂરિયાત જ નથી, ત્યાં અરજદારો પાસે ખોટી રીતે એફિડેવિટ માંગવામાં આવશે નહીં. આવી સેવાઓમાં સામાન્ય વહીવટ વિભાગના જૂના ઠરાવ મુજબ જ માત્ર 'સ્વઘોષણા' (Self-Declaration) ની સરળ પ્રક્રિયા ચાલુ રહેશે.
નાગરિકોને સરળતાથી સમજાય અને ઉપયોગમાં લઈ શકાય તે માટે કાયદા વિભાગે આ નવું સત્તાવાર ફોર્મેટ ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષાઓમાં તૈયાર કર્યું છે.
