પંજાબ: ગુરદાસપુર જિલ્લાના બટાલા સ્થિત એક ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતા 23 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 20થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. હજુ પણ કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા છે. ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી હાથ ધરી છે. વિસ્ફોટ બાદ બે ઇમારત ધરાશાયી થઇ ગઇ. જેમાં કેટલાક લોકો ફસાયાની સંભાવના છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આસપાસના વિસ્તારોના રહીશોમાં દહેશત ફેલાઇ હતી.


પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે તપાસના આદેશ આપ્યા  છે. સરકારે મૃતકોના પરિવારજનોને બે-બે લાખ રૂપિયા અને ગંભીર રીતે ઘાયલ લોકોને 50 હજાર તથા અન્ય ઘાયલોને 25-25 હજારની સહાયની જાહેરાત કરી છે.


ઘટના સ્થાળે સ્થાનીક વહિવટી તંત્ર સહીત પોલીસના જવાનો મોટી સંખ્યામાં પહોંચી ગયા છે. પ્રાપ્ત જાણકારી અનુસાર ફટાકડાની બે બિલ્ડીંગમાં અનેક લોકો ફસાયા છે. ધુમાડાના કારણે ફસાયેલા લોકોને બહાર કાઢવામાં મુશ્કેલી થઈ રહી છે. આ વિસ્ફોટ બપોરે 4 વાગ્યાની આસપાસ બની છે.

પંજાબના ગુરદાસપુરના સાંસદ અને એક્ટર સની દેઓલે ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. સની દેઓલે ટ્વીટ કર્યું કે, “બટાલા ફેક્ટ્રીમાં વિસ્ફોટના સમાચાર સાંભળીને દુખી છું. એનડીઆરએફની ટીમ અને સ્થાનીક તંત્ર બચાવ અભિયાન માટે પહોંચી ગયા છે.”