Gyanesh Kumar new CEC: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ મળેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં, જ્ઞાનેશ કુમારને દેશના આગામી મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) તરીકે નિયુક્ત કરવાના નિર્ણયને લીલી ઝંડી આપવામાં આવી છે. કાયદા મંત્રાલયે પણ સત્તાવાર રીતે જ્ઞાનેશ કુમારની આગામી CEC તરીકે નિમણૂક સંબંધિત સૂચના બહાર પાડી દીધી છે. જ્ઞાનેશ કુમાર, જેઓ કેરળ કેડરના 1988 બેચના IAS અધિકારી છે, તેઓ ગત વર્ષે માર્ચ મહિનાથી ચૂંટણી કમિશનર તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના સ્થાને કાર્યભાર સંભાળશે, જેઓ આવતીકાલે, 18મી ફેબ્રુઆરીના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે.
મુખ્ય ચૂંટણી કમિશનરની પસંદગી માટે નિમાયેલી સમિતિ દ્વારા નામ નક્કી કરવામાં આવ્યું હતું. સોમવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી તેમજ ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.
રાજીવ કુમાર, જેમણે 15 મે, 2022 ના રોજ 25મા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે કાર્યભાર ગ્રહણ કર્યો હતો, તેઓ પોતાના કાર્યકાળ દરમિયાન અનેક ઐતિહાસિક ચૂંટણીઓનું સફળતાપૂર્વક સંચાલન કર્યા બાદ 18મી ફેબ્રુઆરીએ સેવાનિવૃત્ત થશે. તેમના કાર્યકાળ દરમિયાન, 2022માં યોજાયેલી 16મી રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીઓ તેમજ 11 રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી.
હવે ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર દેશના નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે ફરજ બજાવશે. તેઓ રાજીવ કુમારનું સ્થાન લેશે, જેઓ 18 ફેબ્રુઆરીએ નિવૃત્ત થઈ રહ્યા છે. બહાર પાડવામાં આવેલી સત્તાવાર જાહેરાતમાં જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરો (નિમણૂક, સેવાની શરતો અને કાર્યકાળ) અધિનિયમ-2023 ની કલમ 4 હેઠળ મળેલ અધિકારનો ઉપયોગ કરીને ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે જ્ઞાનેશ કુમાર 1988 બેચના કેરળ કેડરના IAS અધિકારી છે અને તેઓ ગત વર્ષે માર્ચ મહિનાથી ચૂંટણી કમિશનર તરીકે સેવા આપી રહ્યા છે. મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશ કુમારની નિમણૂકની જાહેરાત વચ્ચે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પોતાની અસંમતિ દર્શાવી છે. તેમણે અગાઉ આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસને ધ્યાનમાં રાખીને બેઠકને મુલતવી રાખવાની માંગણી કરી હતી.