Gyanvapi Case Hearing: છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ પર કરવામાં આવનારા સર્વેને લઇને મોટુ અપડેટ કોર્ટમાંથી સામે આવ્યું છે. આજે અલ્હાબાદ હાઇકોર્ટે જ્ઞાનવાપી સર્વે મામલે 3 ઓગસ્ટે ચૂકાદો આપવાનું કહી દીધુ છે, ત્યાં સુધી હાઇકોર્ટે સ્ટેને લંબાવી દીધો છે. જ્ઞાનવાપી સર્વે કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટ 3 ઓગસ્ટે પોતાનો ચૂકાદો આપશે. આ કેસની સુનાવણી ગુરુવારે પૂર્ણ થઈ ગઈ છે. બંને પક્ષોની દલીલો બાદ હાઇકોર્ટે 3 ઓગસ્ટ સુધી નિર્ણય અનામત રાખ્યો છે. 


ખાસ વાત છે કે, જ્ઞાનવાપી સર્વે મામલે બુધવાર અને ગુરુવારે સર્વે કરનાર સંગઠન ASIએ પણ પોતાનું સ્ટેન્ડ રજૂ કર્યું હતું. જ્ઞાનવાપી મસ્જિદના ASI સર્વેને લઈને ઉત્તર પ્રદેશની અલ્હાબાદ હાઈકોર્ટમાં મહત્વની સુનાવણી ચાલી હતી. ગુરુવારે સતત બીજા દિવસે કોર્ટમાં સુનાવણી શરૂ થઈ છે. અલ્હાબાદ હાઈકોર્ટમાં બપોરે 3.30 વાગ્યાથી સુનાવણી શરૂ થઈ હતી. જ્ઞાનવાપી કેમ્પસના ASIના સર્વેનો મુસ્લિમ પક્ષ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો. જેના કારણે મસ્જિદના સ્ટ્રક્ચરને નુકસાન થવાની વાત કહેવામાં આવી રહી હતી. જેના પર પ્રતિબંધ મુકવા માંગ ઉઠી હતી. 


જ્ઞાનવાપી મસ્જિદની વિવાદિત બાજુખાના સ્થળ ઉપરાંત બાકીના વિસ્તારના સર્વેનો આદેશ વારાણસી જિલ્લા ન્યાયાધીશ ડૉ. અજય કુમાર વિશ્વેશ દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. આ મામલે મુસ્લિમ પક્ષ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સુપ્રિમ કોર્ટે ASI સર્વે પર સ્ટે મુક્યો હતો અને મુસ્લિમ પક્ષને હાઈકોર્ટનો સંપર્ક કરવા આદેશ આપ્યો હતો. હાઈકોર્ટને બુધવારે સાંજે 5 વાગ્યા સુધીમાં ચુકાદો આપવાનું કહેવામાં આવ્યું હતું. હાઈકોર્ટે બુધવારે મુસ્લિમ પક્ષની અરજી પર સુનાવણી કરી હતી. સમયમર્યાદા પૂરી થવાને કારણે સુનાવણી ગુરુવાર પર મુલતવી રાખવામાં આવી હતી. હાઈકોર્ટે ASIને સુનાવણી પૂર્ણ ના થાય ત્યાં સુધી એટલે કે ગુરુવાર સુધી સર્વે ના કરવાનો આદેશ આપ્યો હતો. આ સુનાવણીમાં કોર્ટ મહત્વપૂર્ણ નિર્ણય આગામી 3 ઓગસ્ટ પર છોડ્યો છે, એટલે કે આગામી ચૂકાદો 3જી ઓગસ્ટે આવશે ત્યાં સુધી સ્ટેને લંબાવવામાં આવ્યો છે. 


ઊલટતપાસ દરમિયાન હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને કમિશનરના ગયા વર્ષે કરાયેલા સર્વેની તસવીરો બતાવી અને કહ્યું કે મૂળભૂત રીતે આ મંદિર જ છે. તેની દિવાલો જૂની છે અને ગુંબજ પાછળથી બનાવવામાં આવ્યો હતો. અગાઉ, મુસ્લિમ પક્ષે કહ્યું હતું કે અહીં મંદિરના કોઈ પુરાવા નથી. ASI દ્વારા પુરાવા એકત્ર કરવા માટે સર્વે કરવામાં આવી રહ્યો છે. તેના જવાબમાં વિષ્ણુ શંકર જૈને સર્વેના ફોટોગ્રાફ્સ બતાવ્યા હતા.