UP News: વારાણસીની જિલ્લા અદાલતમાં ગુરુવારે જ્ઞાનવાપી મસ્જિદ અને શ્રૃંગાર ગૌરી કેસની સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. જો કે કોર્ટે આ મામલે નિર્ણય આગામી સુનાવણી સુધી અનામત રાખ્યો છે. મળતી માહિતી મુજબ, આગામી સુનાવણી 8 નવેમ્બરે થવાની છે.






ભગવાન આદિ વિશ્વેશ્વર વિરાજમાનનો કેસ સુનાવણી લાયક છે કે નહીં તે અંગે સુનાવણી થશે. ગુરુવારે 27 ઓક્ટોબરે આજે વારાણસીના સિવિલ જજ સિનિયર ડિવિઝન મહેન્દ્ર પાંડેની ફાસ્ટ ટ્રેક કોર્ટમા સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ મામલે હિંદુ પક્ષની ચર્ચા 15 ઓક્ટોબરે પૂર્ણ થઈ હતી. આજે 27 ઓક્ટોબરે જજ સિનિયર ડિવિઝન દ્વારા ચુકાદાની તારીખ નક્કી કરવામાં આવી હતી. જો કે હવે આ કેસની આગામી સુનાવણી 8 નવેમ્બર સુધી ટાળી દેવામાં આવી છે.


આ માંગણીઓ અંગે પિટિશન દાખલ કરવામાં આવી હતી


1. જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં કથિત શિવલિંગ મળ્યા બાદ સ્વયંભૂ જ્યોતિર્લિંગની પૂજા શરૂ કરવાની અરજી


2. મુસલમાનોને જ્ઞાનવાપી કેમ્પસમાં પ્રવેશતા અટકાવવાની માંગ કરતી અરજી


3. જ્ઞાનવાપી કેમ્પસ હિંદુઓને સોંપવાની માંગ કરતી અરજી


બંને પક્ષોની આ છે માંગ


એક તરફ હિન્દુ પક્ષનું કહેવું છે કે આ મામલો સાંભળવા યોગ્ય છે. કારણ કે મસ્જિદ વકફની મિલકત છે કે નહીં તે નક્કી કરવાનો અધિકાર સિવિલ કોર્ટને છે. જ્યારે મુસ્લિમ પક્ષનું કહેવું છે કે આ કેસ સાંભળવવા યોગ્ય નથી કારણ કે જ્ઞાનવાપી વકફની મિલકત છે અને અથવા 'ધ પ્લેસ ઓફ વર્શીપ એક્ટ, 1991' લાગુ છે. આવી સ્થિતિમાં સિવિલ કોર્ટને મામલાની સુનાવણી કરવાનો અધિકાર હોવો જોઈએ નહીં. ઉલ્લેખનીય છે કે મે 2022માં કોર્ટના આદેશ પર જ્ઞાનવાપી કેમ્પસનો સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં જ્ઞાનવાપી મસ્જિદના વઝુખાનામાંથી શિવલિંગ સ્વરૂપનો આકાર મળી આવ્યો હતો. હિન્દુઓએ માંગ કરી હતી કે તેમને આ કથિત શિવલિંગ પર પૂજા કરવાનો અધિકાર મળવો જોઈએ અને બિન-હિંદુઓના પ્રવેશ પર રોક લગાવવી જોઈએ. આ સિવાય પરિસરનો સંપૂર્ણ અધિકાર હિંદુઓને જ સોંપવો જોઈએ.