Haryana Private Job Quota: હરિયાણામાં રાજ્યના રહેવાસીઓ માટે ખાનગી ક્ષેત્રની નોકરીઓમાં 75 ટકા અનામત ફરજિયાત બનાવતા વિવાદાસ્પદ કાયદાને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ફગાવી દીધો છે. કોર્ટે તેને ગેરબંધારણીય જાહેર કર્યો છે.
2020માં પસાર થયેલા હરિયાણા સ્ટેટ એમ્પ્લોયમેન્ટ ઓફ લોકલ કેન્ડીડેટ્સ એક્ટ હેઠળ, રાજ્યના રહેવાસીઓ માટે માસિક પગાર અથવા રૂ. 30,000 કરતાં ઓછા વેતન સાથે ખાનગી ક્ષેત્રની 75 ટકા નોકરીઓ અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી હતી. આ માટે ડોમિસાઇલ સર્ટિફિકેટ જરૂરી હતું. ડોમિસાઇલની જરૂરિયાત 15 વર્ષથી ઘટાડીને 5 વર્ષ કરવામાં આવી હતી.
શું કોર્ટનો નિર્ણય ખટ્ટર સરકાર માટે ફટકો સાબિત થશે ?
હાઈકોર્ટનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે હરિયાણામાં વિધાનસભા ચૂંટણી આડે એક વર્ષથી પણ ઓછો સમય બાકી છે. આ નિર્ણયને મનોહર લાલ ખટ્ટરની સરકાર માટે મોટા ઝટકા તરીકે જોવામાં આવી રહ્યો છે.
નવેમ્બર 2020માં હરિયાણા એસેમ્બલી દ્વારા પસાર કરાયેલા આ કાયદાને માર્ચ 2021માં રાજ્યપાલની સંમતિ મળી હતી. કાયદાને જનનાયક જનતા પાર્ટી (JJP)ની ઉપજ તરીકે જોવામાં આવતો હતો, જે રાજ્યમાં ભાજપના સાથી છે અને જેના નેતા દુષ્યંત ચૌટાલા હરિયાણાના નાયબ મુખ્યમંત્રી તરીકે સેવા આપે છે. 2019ની વિધાનસભા ચૂંટણી પહેલા ચૌટાલા દ્વારા આપવામાં આવેલા વચનોમાં અનામતનું વચન પણ મુખ્ય હતું.
ગુરુગ્રામ ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને અન્ય કંપનીઓએ અરજી દાખલ કરી હતી
ગુરુગ્રામ ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને અન્ય એમ્પ્લોયર બોડીએ હરિયાણાના આ કાયદા વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરી હતી. અરજદારોએ દલીલ કરી હતી કે કાયદા પાછળનો ખ્યાલ એમ્પ્લોયરોના બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન કરે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે આ કાયદો બંધારણમાં સમાવિષ્ટ ન્યાય, સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વના સિદ્ધાંતોની વિરુદ્ધ છે.
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ફેબ્રુઆરી 2022માં આ એક્ટ પર રોક લગાવી દીધી હતી, પરંતુ થોડા દિવસો બાદ હરિયાણા સરકારની અપીલ બાદ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશને રદ કરી દીધો હતો.
સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને અરજીઓ પર જલ્દી નિર્ણય લેવા જણાવ્યું હતું. શુક્રવારે (17 નવેમ્બર) અરજીઓ પર સુનાવણી કરતી વખતે જસ્ટિસ જીએસ સંધાવાલિયા અને હરપ્રીત કૌર જીવનની બેન્ચે આ કાયદાને ગેરબંધારણીય જાહેર કર્યો હતો અને તેને રદ કર્યો હતો.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial