ચંદીગઢ: હરિયાણામાં ભાજપ અને જેજેપીની ગઠબંધન સરકાર બનવા જઈ રહી છે. ચંદીગઢમાં આજે ભાજપ ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. જેમાં મનોહર લાલ ખટ્ટરને ફરી એકવાર બીજેપી ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યાં છે. મનોહરલાલ ખટ્ટર દિવાળીના દિવસે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરી શકે છે. જ્યારે જેજેપીના નેતા નાયબ મુખ્યમંત્રી બનશે. ખટ્ટર આજે રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.

કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદે જાણકારી આપી કે ખટ્ટરને સર્વસમ્મતિથી ભાજપ ધારાસભ્ય દળના નેતા તરીકે પંસદ કરાયા છે. તેમણે કહ્યું કે બેઠકમાં અનિલ જૈને ખટ્ટરના નામનો પ્રસ્તાવ મુક્યો હતો. આ નિર્ણય બાદ રવિશંકર પ્રસાદે મનોહર લાલ ખટ્ટરને લાડું પણ ખવડાવ્યા હતા.


ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદી પામ્યા બાદ ખટ્ટરે કહ્યું, ધારસભ્યોએ સર્વસન્મતિથી મને નેતા તરીકે પસંદ કર્યો, તેના માટે તમામનો આભાર વ્યક્ત કર્યું છું. જે રીતે અમે છેલ્લા પાંચ વર્ષમા સરકાર ચલાવી તે રીતે આગામી પાંચ વર્ષમાં સાફ સુથરી સરકાર ચલાવવાનો પ્રયાસ કરીશું. હું પ્રદેશની જનતાનો પણ આભાર માનું છું.

હરિયાણામાં ભાજપ-જેજેપી વચ્ચે સરકાર બનાવવાની ફોર્મુલા શુક્રવારે રાતે જ નક્કી થઈ હતી. જેની જાહેરાત કેંદ્રીય ગૃહમંત્રી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ દ્વારા કરવામાં આવી હતી. હરિયાણામાં 90 બેઠકોમાંથી 40 ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે. જ્યારે દુષ્યંત ચૌટાલાની પાર્ટીના 10 ધારાસભ્યો છે. જ્યારે 9 અપક્ષના ધારાસભ્યોનું સમર્થન હોવાનો ભાજપે દાવો કર્યો છે.