વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન મનોહર ખટ્ટર ભાવુક થઇ ગયા અને રડી પડ્યાં, તેમણે કહ્યું કે, "બહુ ભારે મનથી આ વાત કહી રહ્યો છું, કાલે વિશ્વ મહિલા દિવસ હતો અને આખી દુનિયાએ મહિલાને સન્માન આપીને આ દિવસ મનાવ્યો. વિધાનસભામાં પણ સત્રનું સુકાન મહિલાઓને જ સોપવામાં આવ્યું. જો કે અહીંથી ઘરે જઇને ટીવી પર જોયું તો ખ્યાલ આવ્યો કે, બંધક  મજદૂર કરતા પણ બદતર વ્યવહાર મહિલા સાથે કરવામાં આવી રહ્યો છે. 


સીએમ ખટ્ટરે કહ્યું કે, માન્યું કે આ મોંઘવારીનું પ્રદર્શન હતું પરંતુ આ દ્વશ્ય તો વધુ સારૂ બની શકત જો મહિલાઓ ટ્રેકટરમાં બેઠી હોત અને ધારાસભ્યો ભાઇઓ તેને ખેંચી રહયાં હોત. મુખ્યમંત્રી ખટ્ટરે મહિલા સામે થતાં અપરાધને રોકવા માટે વિપક્ષના સાથ સહયોગની પણ વિધાનસભામાં અપીલ કરી હતી. 


જો કે ખટ્ટરના ગૃહમાં સંબોધન બાદ પલટવાર કરતા પૂર્વ સીએમ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું કે, દિલ્લી બોર્ડર પર  ખુલ્લા આકાશની નીચે ટાઢ-તાપ સહન કરતી મહિલાઓ અને બાળકોને જોઇને આપનું હૃદય નથી પીગળી જતું?  કોંગ્રેસ ધારાસભ્ય કિરણ ચૌધરીએ પણ હુડ્ડા સાથે સૂર મિલાવતા સીએમ ખટ્ટરને ગૃહમાં સવાલ કર્યો હતો કે, રાજ્યમાં મહિલા સામે વધતા જતાં અપરાધ સામે લગામ કેમ નથી લગાવી શકતા?