HC Decision on Live-In Relationship:  કેરળ હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું હતું કે કોઇ મહિલાનો પાર્ટનર જેણે કાયદેસર રીતે લગ્ન કર્યા નથી તેના પર આઇપીસીની કલમ 498A હેઠળ ક્રૂરતાનો કેસ ચલાવી શકાય નહીં. કોર્ટે ગુરુવારે અરજીકર્તા વિરુદ્ધની કાર્યવાહી રદ્દ કર્યા બાદ આ ચુકાદો આપ્યો હતો જે ફરિયાદી મહિલાનો લિવ-ઇન પાર્ટનર હતો.






કોર્ટે ચુકાદો આપ્યો હતો કે , “IPCની કલમ 498 (A) હેઠળ સજાપાત્ર અપરાધ માટે સૌથી આવશ્યક બાબત એ છે કે મહિલા સાથે તેના પતિ અથવા તેના પતિના સંબંધીઓ દ્વારા ક્રૂરતા કરવામાં આવી હોય. 'પતિ શબ્દનો અર્થ પરિણીત પુરુષ થાય છે, જેની સાથે મહિલાએ લગ્ન કર્યા છે. લગ્નથી કોઇ પુરુષ મહિલાના પતિનો દરજ્જો પ્રાપ્ત કરે છે. જો કોઈ પુરુષ કાયદેસર લગ્ન કર્યા વિના સ્ત્રીનો સાથી બને છે તો તેને IPCની કલમ 498 (A) હેઠળ 'પતિ' કહેવાશે નહીં.


આરોપ એવો હતો કે અરજદારે મહિલાને માર્ચ 2023થી ઓગસ્ટ 2023 દરમિયાન માનસિક અને શારીરિક રીતે ટોર્ચર કરી હતી જ્યારે તેઓ લિવ-ઇન રિલેશનશિપમાં હતા. કોર્ટે કહ્યું કે કલમ 498A હેઠળ ગુનો ચલાવવા માટે એ જરૂરી છે કે ક્રૂરતાનો ગુનો પતિ અથવા પતિના સંબંધીઓ દ્વારા કરવામાં આવ્યો હોય. તેમાં કહેવામાં આવ્યું છે કે કાયદેસર લગ્ન કર્યા વિના મહિલાનો જીવનસાથી હોય તેવા પુરુષ સામે કલમ 498A હેઠળ કાર્યવાહી કરી શકાય નહીં. 


નોંધનીય છે કે ગયા મહિને પંજાબ-હરિયાણા હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હતો. પંજાબ-હરિયાણા હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ આદેશ જાહેર કરીને સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ મહિલા અમીર અને સક્ષમ હોય તો તે તેના પતિ પાસેથી ભરણપોષણનો દાવો ન કરી શકે. આ એક કલ્યાણકારી વ્યવસ્થા છે જેનો હેતુ લાચાર પત્નીને તેના પતિથી અલગ થયા પછી અભાવની સ્થિતિમાંથી બચાવવા અને તેને સમાન જીવન જીવવા માટે સક્ષમ બનાવવાનો છે. આને પતિને હેરાન કરવાનું સાધન ન બનવા દેવુ જોઈએ. આ સાથે હાઈકોર્ટે ભરણપોષણ માટેની મહિલાની અરજીને ફગાવી દીધી હતી.