નવી દિલ્હીઃ કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામી સરકારની 18 જૂલાઇના રોજ અગ્નિપરીક્ષા થશે. 18 જૂલાઇના રોડ કુમારસ્વામી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થશે. અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચા બાદ વિધાનસભામાં મતદાન થશે. વિધાનસભાની બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોગ્રેસ ધારાસભ્ય દળના નેતા સિદ્ધારમૈયાએ કહ્યું કે, બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠકમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા માટે તારીખ નક્કી કરવામાં આવી છે. કર્ણાટક ભાજપના અધ્યક્ષ યેદિયુરપ્પાએ કહ્યું કે, તેમને બહુમત હાંસલ કરવાનો 100 ટકા વિશ્વાસ છે.


યેદિયુરપ્પાએ કહ્યું કે, મુંબઇમાં રહેલા 15 ધારાસભ્યો, બે અપક્ષ ધારાસભ્યો ભાજપને સમર્થન આપશે.ભાજપને બે વધુ ધારાસભ્યોનું સમર્થન હાંસલ છે. ભાજપ નેતા જગદીશ શેટ્ટારે કહ્યું કે, મુખ્યમંત્રી કુમારસ્વામીની શક્તિ પરીક્ષણમાં હાર થશે. ભાજપના 105 ધારાસભ્યો એક સાથે છે. 16 ધારાસભ્યોના રાજીનામા બાદ હાલની સરકાર સંકટનો સામનો કરી રહી છે.

ભાજપના પ્રદેશ મહાસચિવ સી ટી રવિએ પીટીઆઇ સાથેની વાતચીતમાં કહ્યુ કે પાર્ટીએ કાર્યમંત્રણા સમિતિની બેઠક દરમિયાન વિધાનસભા અધ્યક્ષ કે.આર રમેશ કુમારને નોટિસ મોકલીને અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની માંગ કરી છે. બેઠકમાં પાર્ટીના નેતા બીએસ યેદિયુરપ્પા પણ સામેલ હતા.

અધ્યક્ષે કહ્યું કે, મુખ્યમંત્રી અને વિધાનસભાના નેતા કુમારસ્વામી તરફથી લાવવામાં આવેલા વિશ્વાસ મતના પ્રસ્તાવ પર 11 વાગ્યે સભ્યમાં વિચાર કરવામાં આવશે. આ અગાઉ કોગ્રેસ ધારાસભ્ય નેતાના નેતા સિદ્ધારમૈયાએ કહ્યું કે, વિશ્વાસ મત પર ગુરુવારે ચર્ચા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.