Rahul Gandhi Attack on PM Modi:  કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ફરી એકવાર વિદેશની ધરતી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા છે. આ સાથે તેમણે ભારતને બદનામ કરવાના બીજેપીના નિવેદનો સામે પણ વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે મોદીએ પોતે કહ્યું છે કે છેલ્લા 60-70 વર્ષોમાં કંઈ નથી થયું. તેમણે એવું કહીને દરેક ભારતીય અને તેમના દાદા-દાદીનું અપમાન કર્યું છે કે ભારતે એક દાયકા ગુમાવ્યો છે આ બધું તેમણે આ વિદેશી ધરતી પર જ કહ્યું છે.


રાહુલ ગાંધી લંડનમાં ઈન્ડિયન જર્નાલિસ્ટ એસોસિએશનના કાર્યક્રમમાં બીજેપીના એ આરોપોનો જવાબ આપી રહ્યા છે, જેમાં તેમના પર ભારતને બદનામ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. એટલું જ નહીં આ દરમિયાન તેમણે તેમની ભારત જોડો યાત્રાની તુલના ભાજપની ત્રણ દાયકા જૂની રથયાત્રા સાથે કરી હતી. તેમણે કહ્યું કે ભાજપની પણ રથયાત્રા હતી, તેમાં ફરક છે. તે યાત્રાનું કેન્દ્ર એક રથ હતો જે રાજાનું પ્રતીક છે. અમારો રથ લોકોને ભેગા કરીને ગળે લગાડતો હતો.






'આરએસએસ અને ભાજપને હરાવવાની જરૂર છે'


રાહુલે એમ પણ કહ્યું કે આરએસએસ અને બીજેપીને હરાવવાની જરૂરિયાત લોકોના મનમાં ઊંડે સુધી બેસી ગઈ છે. ભારત જોડો દરમિયાન અનેક અભિગમો હતા. આ પ્રવાસમાં ઘણો અંડર કરંટ હતો. તેમણે કહ્યું કે અમે સંસ્થાકીય માળખા સામે લડી રહ્યા છીએ. આરએસએસ અને ભાજપે તે સંસ્થાઓ (તપાસ એજન્સીઓ) પર કબજો કરી લીધો છે જે તટસ્થ રહેવું જોઈએ.


રાહુલે પીએમ પદના ઉમેદવાર વિશે શું કહ્યું?


જ્યારે રાહુલને પૂછવામાં આવ્યું કે શું તમે આગામી પીએમ પદના ઉમેદવાર હશો? આ અંગે તેમણે કહ્યું કે હજુ સુધી આ અંગે કોઈ ચર્ચા થઈ નથી. કેન્દ્રીય વિચાર ભાજપ અને આરએસએસને હરાવવાનો છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે કેમ્બ્રિજ લેક્ચરમાં તેઓએ ક્યારેય કંઈ ખોટું કહ્યું નથી. ભાજપને દરેક વસ્તુઓ તોડી મરોડીને કહેવાની ટેવ છે.