નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. સમગ્ર દેશમાં સંક્રમિતોની સંખ્યા 1400ને પાર કરી ગઈ છે. જ્યારે 40 લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્ર છે, જ્યાં સંક્રમિતોની સંખ્યા 230 વટાવી ગઈ છે અને 10 લોકોના મોત થયા છે. દેશમાં કોરોના ફેલાતો અટકે તે માટે 21 દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું છે. જેનો આજે સાતમો દિવસ છે.


કમિટી શું કામ કરશે

સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના સામે લડવા માટે પાવર કમિટીની રચના કરી છે. આ કમિટી રિસર્ચને આગળ વધારવાનું કામ કરશે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું, કોરોના સામે સૌએ સાથે મળીને લડવું પડશે. લોકોનું સમર્થન નહીં મળે તો મામલા વધતા રહેશે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી 227 લોકો સંક્રમિત થયા છે. કેટલીક જગ્યાએ લોકોનું સમર્થન નહીં મળવાના કારણે કેસો વધ્યા છે. કોરોનાને લઈ સમાજમાં ફેલાયેલી ગેરસમજને દૂર કરવા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવે જણાવ્યું હતું.