મુંબઇઃ લતા મંગેશકરની તબિયત હજુ પણ નાજૂક સ્થિતિમાં છે. એબીપી ન્યૂઝને મળેલી માહિતી પ્રમાણે બ્રીચ કેન્ડી હૉસ્પીટલમાં ભરતી કરાયેલા લતા મંગેશકરની સ્થિતિ હજુ પણ ક્રિટિકલ છે, અને તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.


દિગ્ગજ સિંગર લતા મંગેશકરની તબિયતમાં રિકવરી આવતા હજુ સમય લાગી શકે છે. લતાજીને ન્યૂમૉનિયા અને ચેસ્ટ ઇન્ફેક્શન લાગ્યુ છે, જેના કારણે તેમની સારવારમાં હાલ 6 ડૉક્ટરોની ટીમ જોડાઇ ગઇ છે.

વિશ્વસનીય સુત્રો પ્રમાણે હાલ લતા મંગેશકરની દેખરેખ અને સારવાર માટે બ્રીચ કેન્ડી હૉસ્પીટલમાં 6 ડૉક્ટરો અને 4 નર્સની ટીમ વારાફરથી 24 કલાક સુધી ડ્યૂટી આપી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, 90 વર્ષીય સ્વર કોકિલા અને ભારત રત્ન પ્રાપ્ત લતાજીને શ્વાસ લેવામાં તકલીફ અને છાતીમાં દુઃખાવો થતા સોમવારે મોડી રાત્રે દક્ષિણ મુંબઇની બ્રીચ કેન્ડી હૉસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.