નવી દિલ્હી: હવામાન વિભાગે આ વખતે ગરમી સામાન્ય કરતા વધુ રહેવાની ભારે આગાહી કરી છે. ઉત્તર-પશ્ચિમ, પશ્ચિમ અને મધ્ય ભારતમાં માર્ચ મહિનાથી મે મહિના દરમિયાન આ વખતે તાપમાન અડધાથી એક ડિગ્રી સુધી વધુ રહેશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. દક્ષિણના રાજ્યોમાં ગરમીનું સામાન્ય તાપમાન જળવાઈ રહેશે. હવામાન વિભાગે ગુરૂવારે માર્ચ મહિનાથી મે મહિના દરમિયાન ગરમી અંગેનું આ અનુમાન જાહેર કર્યું છે.
હવામાન વિભાગે સિઝનલ આઉટ લુક મુજબ જણાવ્યું છે કે, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ રાજસ્થાન અને અરુણાચલ પ્રદેશમાં આગામી ત્રણ મહિનામાં સામાન્ય કરતા એક ડિગ્રી ગરમી વધુ રહેશે. સમગ્ર ઉનાળા દરમિયાન જમ્મુ-કાશ્મીર, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, સૌરાષ્ટ્ર-કચ્છ, કોંકણ, ગોવા, મરાઠાવાડા, વિદર્ભ, કર્ણાટક, રાયલસીમા અને કેરળમાં તાપમાન 1 ડિગ્રી સુધી વધુ રહેશે. દેશના બાકીના ભાગોમાં તાપમાન સામાન્ય રહેશે. ઉત્તરાખંડમાં સરેરાશ લઘુત્તમ તાપમાન 1 ડિગ્રીથી વધુ રહેવાનું અનુમાન છે.
દેશના કોરહિટ વેવ ઝોન એટલે કે, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, તેલંગણા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠાવાડા, આંધ્રપ્રદેશમાં મહત્તમ તાપમાન વધવાની સંભાવના 43% આંકવામાં આવી છે. આ તમામ રાજ્યોમાં સામાન્ય કરતા વધુ લૂ લાગશે.
ઉનાળો શરૂ થાય તે પહેલા જ હવામાન વિભાગે આગાહી કરી છે કે, આ વખતે ગરમી વધુ સહન કરવી પડશે. માર્ચ મહિનાથી લૂ લાગવાના કેસમાં વધારો જોવા મળશે. જ્યારે મે મહિનામાં ગરમીનો પારો 47 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે. મહત્વની વાત છે કે, ગુજરાતમાં સૌથી વધુ ગરમીનો પારો સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોવા મળશે.
2016માં ભારતીય હવામાન વિભાગે મોનસૂન મિશન કપલ્ડ ફોર કાસ્ટિંગ સિસ્ટમ મોડલના આધારે ગરમી અને શિયાળા દરમિયાન હવામાનની ભવિષ્યવાણી કરવાની શરૂ કર્યું છે. ચાલુ વર્ષે વિભાગે ક્ષેત્રવાર તાપમાનની ભવિષ્યવાણી કરી છે. આ ભવિષ્યવાણી 1982થી 2008 દરમિયાનના 27 વર્ષના વાતાવરણની સ્થિતિના આધારે કરવામાં આવી છે.
ગરમીને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી, આ મહિનામાં 47 ડિગ્રી પહોંચશે તાપમાન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Feb 2020 09:59 AM (IST)
મે મહિનામાં ગરમીનો પારો 47 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે. મહત્વની વાત છે કે, ગુજરાતમાં સૌથી વધુ ગરમીનો પારો સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોવા મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -