Delhi Heavy Rain:દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. મુશળધાર વરસાદને કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો અને દિલ્હી અને નોઈડાના ઘણા ભાગોમાં પાણી ભરાઈ ગયા છે. આજે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, રાજસ્થાન, હરિયાણા, પંજાબના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે  છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે 357 રસ્તાઓ બ્લોક થઈ ગયા છે.

IMD ની આગાહી મુજબ, દિલ્હીમાં 13 અને 14 ઓગસ્ટના રોજ ફરી વરસાદ પડવાની ધારણા છે. વરસાદને કારણે તાપમાનમાં થોડા ડિગ્રીનો ઘટાડો થશે. નોઈડા, ગુરુગ્રામ, ગાઝિયાબાદ અને ફરીદાબાદ જેવા NCR જિલ્લાઓમાં પણ આવું જ હવામાન રહેવાની ધારણા છે, કારણ કે હવામાન વિભાગે ચારેય શહેરોમાં વરસાદ પડવાની આગાહી કરી છે.. દિલ્લીમાં આગામી 24 કલાક હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, વરસાદના કારણે અનેક  ફ્લાઇટસ પણ લેઇટ થઇ છે.

ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહારમાં વરસાદ પડશે

આજે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, રાજસ્થાન, હરિયાણા, પંજાબના કેટલાક ભાગોમાં હવામાન બગડી શકે છે. આગામી 24 કલાક દરમિયાન, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, પૂર્વ આસામ, અરુણાચલ પ્રદેશ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, ઉત્તરાખંડ, કર્ણાટક, લક્ષદ્વીપ, તેલંગાણા અને મરાઠવાડાના કેટલાક ભાગોમાં હળવો થી મધ્યમ વરસાદ પડી શકે છે, અને કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.

ઝારખંડ, ઓડિશા, તમિલનાડુમાં હળવો વરસાદ પડી શકે છે

ઉત્તરપૂર્વ ભારત, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, વિદર્ભ, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવા, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, દિલ્હીના કેટલાક ભાગો, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરમાં હળવો થી મધ્યમ વરસાદ પડી શકે છે.

હિમાચલ પ્રદેશમાં ચોમાસાનો કહેર, 357 રસ્તાઓ બ્લોક

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે, 357 રસ્તાઓ બ્લોક થયા છે, 599 પાવર ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર (DTR) કામ કરી રહ્યા નથી અને 177 પાણી પુરવઠા યોજનાઓ પ્રભાવિત થઈ છે. આ માહિતી શુક્રવારે પ્રકાશિત થયેલા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન્સ સેન્ટર (SEOC) ના ડેટામાંથી મેળવવામાં આવી છે.

સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (SDMA) દ્વારા પુષ્ટિ કરાયેલા કુલ મૃત્યુઆંક અનુસાર, રાજ્યમાં અત્યાર સુધીમાં ભારે વરસાદના કારણે  208 મૃત્યુ નોંધાયા છે. આમાંથી 112 મૃત્યુ સીધા વરસાદને કારણે થતી આફતો જેમ કે ભૂસ્ખલન, અચાનક પૂર અને ઘર ધરાશાયી થવા સાથે જોડાયેલા છે, જ્યારે 96 મૃત્યુ માર્ગ અકસ્માતોને કારણે થયા છે, જેમાંથી ઘણા વિઝિબિલિટી અને સ્લીપી રસ્તાના  કારણે થયા છે.