ઉત્તર મહારાષ્ટ્ર અને કોંકણ ગોવા ક્ષેત્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે. તામિલનાડુના ચેન્નાઈમાં વર્ષનો સૌથી વધારે વરસાદ પડ્યો છે. ગત 24 કલાકમાં 100 મીમી વરસાદ પડતાં જનજીવન બેહાલ બન્યું હતું. આ ઉપરાંત ઓડિશામાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ચેન્નાઈમાં ભારે વરસાદને પગલે ઘરની દીવાલ ધસી પડતાં એક મહિલાનું મોત થયું હતું. મહિલા જ્યારે સૂતી હતી ત્યારે તેના ઘરની દીવાલ ઘસી પડી હતી જેમાં તે દટાઈ ગઈ હતી. ચેન્નાઈના ઘણાં વિસ્તારોમાં પાણી ભરાતાં ટ્રાફિકને માઠી અસર પહોંચી હતી.
રાજસ્થાનમાં છેલ્લા કેટલાંક દિવસથી વરસાદ વરસી રહ્યો છે. બુધવારે પણ રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ થયો હતો. જયપુરમાં પાણીના જોરદાર વહેણને કારણે એક પુલ ધોવાઈ ગયો હતો. બાલોતરાની લૂણી નદીમાં નાહવા પડેલા પોલીસ અધિકારી અને તેમના મિત્રનું મોત થયું હતું.
સહાયક સબ ઈન્સ્પેક્ટર કાનારામ ભીલ અને તેમના મિત્ર સિતારા મેઘવાળ નદીમાં તરી રહ્યા હતા ત્યારે અચાનક ઊંડા પાણીમાં ચાલ્યા જતાં ડૂબી ગયા હતા. ઘણી જગ્યાએ વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. ચેન્નાઈ અને તેના આજુબાજુના તિરવેલ્લુર અને કાંચીપુરમ જિલ્લામાં પણ વરસાદ ખાબક્યો હતો. દક્ષિણ ભારતના તટીય આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં પણ સારા વરસાદની હવામાન વિભાગની આગાહી છે.