નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી છોડ્યા બાદ અલકા લાંબા કોગ્રેસમાં સામેલ થઇ ગઇ છે. હવે ચાંદની ચોકથી ધારાસભ્ય અલકા લાંબાની સદસ્યતા રદ કરવામાં આવી છે. દિલ્હી વિધાનસભા અધ્યક્ષ રામનિવાસ ગોયલે ચાંદની ચોકથી ધારાસભ્ય અલકા લાંબાની સદસ્યતા રદ કરવાનો નિર્ણય લીધો છે. સદસ્યતા રદ કરવાનો નિર્ણય 6 સપ્ટેમ્બરના રોજ લાગુ થશે. 6 સપ્ટેમ્બરના રોજ અલકા લાંબાએ કોગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી કોગ્રેસમાં સામેલ થઇ ગઇ હતી. આપમાંથી રાજીનામું આપતા સમયે અલકા લાંબાએ ટ્વિટર પર લખ્યું હતું કે આપને ગુડ બાય કહેવાનો સમય આવી ગયો છે. પાર્ટીની પ્રાથમિક સદસ્યતાથી રાજીનામું આપી દીધું છે. આમ આદમી પાર્ટીમાં સામેલ થતા અગાઉ અલકા લાંબા અનેક વર્ષો સુધી કોગ્રેસમાં જોડાઇ રહ્યા હતા.


અલકા લાંબા છેલ્લા અનેક મહિનાથી આમ આદમી પાર્ટી સાથે વિવિધ મુદ્દાઓ પર લડાઇ રહી છે. ઓગસ્ટની શરૂઆતમાં લાંબાએ કહ્યુ હતું કે, તેમણે પાર્ટીની પ્રાથમિક સદસ્યતાથી રાજીનામું આપી દેવાનો નિર્ણય કર્યો છે અને તે એક સ્વતંત્ર ઉમેદવાર તરીકે આગામી વિધાનસભા ચૂંટણી લડશે. ત્યારબાદ આપે કહ્યુ હતું કે, તે તેમનું રાજીનામું સ્વીકાર કરવા માટે તૈયાર છે. તાજેતરમાં જ પૂર્ણ થયેલા લોકસભા ચૂંટણીમાં પાર્ટીના નિરાશાજનક પ્રદર્શન બાદ લાંબાએ આપની ટીકા કરી હતી.