દિલ્લીમાં લાંબા સમયથી જોવાતા વરસાદની રાહનો આજે અંત આવ્યો શુક્રવાર સાંજથી રાજધાની દિલ્લીમાં મેહુલિયાની આગમન થતાં ગરમી અને બફારાથી દિલ્હીવાસીઓએ રાહત મેળવી છે.
લાંબી પ્રતિક્ષા બાદ આખરે મેહુલિયો દિલ્લીને ભીજવી રહ્યો છે. વરસાદના ઇંતેજારનો અંત આવ્યો છે. શુક્રવાર સાંજથી રાજધાની દિલ્લીમાં મેહુલિયાની આગમન થતાં ગરમી અને બફારાથી દિલ્હીવાસીઓએ રાહત મેળવી છે. પરંતુ વરસાદના કારણે રોડ પર પાણી ભરાઇ જતાં જનજીવન પ્રભાવિત થયું છે. વાહન ચાલકોને પાણી ભરાવાના કારણે પારાવાર મુશ્કેલી સામનો કરવો પડી રહ્યો છે
દિલ્હીમાં વરસાદ
રાજધાની દિલ્લીમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. દિલ્લીના NCR, નોઈડા સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પણ પાણી ભરાઈ ગયા છે. તો વહેલી સવારથી વરસાદ વરસતા વાતાવરણ પણ ખુશનુમા બન્યું છે. ધોધમાર વરસાદથી આઝાદપુર અંડરપાસમાં દોઢ ફુટ સુધીના પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે. વહેલી સવારથી જે રીતે દિલ્લીમાં વરસાદ વરસી રહ્યો છે. તેને લીધે અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ હતી.
ગુજરાતમાં પણ શુક્રવાર રાતથી મહૂલિયાનું ધીમી ધારે આગમન થયું છે. રાજ્યમાં બે દિવસ અમુક વિસ્તારોમાં પડી શકે છે વરસાદ. આ આગાહી કરી છે હવામાન વિભાગે. હવામાન વિભાગના મતે સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસર હેઠળ બે દિવસ રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં વલસાડ સહિતના જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. તો અમદાવાદમાં પણ છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. બે દિવસ બાદ સૌરાષ્ટ્ર સહિતના રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે.
અરવલ્લી જિલ્લામાં વરસાદ
તો આ તરફ આગાહી વચ્ચે જ અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ નોંધાયો છે. શામળાજી, ભિલોડા, ઈસરોલ સહિતના વિસ્તારોમાં વરસાદ નોધાયો છે. તો મોડાસાના પણ આસપાસના ગામોમાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. કારણે વરસાદના કારણે પાકને મગફળી, સોયાબીન સહિતના પાકને ફાયદો થશે.