ભારતના આ વિસ્તારમાં મેઘતાંડવ, એક જ દિવસમાં 9 ઇંચ વરસાદ પડતા 30ના મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 Oct 2020 07:26 AM (IST)
ભારે વરસાદને પગલે હૈદરાબાદના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
નવી દિલ્હીઃ તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં વરસાદે ભારે તબાહી મચાવી છે. વરસાદ આધારીત ઘટનાઓમાં હૈદરાબાદમાં 20 અને આંધ્ર પ્રદેશમાં 10નાં મોત થયા છે. હૈદરાબાદમાં એક જ દિવસમાં 9 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જે છેલ્લા 100 વર્ષોમાં ઓક્ટોબરમાં પડેલા વરસાદ કરતા સૌથી વધારે છે. ભારે વરસાદને પગલે હૈદરાબાદના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જેના કારણે અનેક મકાનો અને વાહનો પાણીમાં ડૂબી ગયા છે. અનેક રસ્તાઓમાં પણ પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આગામી 2 દિવસ હજુ ભારે વરસાદની શક્યતા હોવાથી લોકોને ઘરમાં જ રહેવાની સલાહ અપાઈ છે. તેલંગણાના મુખ્ય સચિવે તમામ જિલ્લાઓના અધિકારીઓને હાઈ અલર્ટ પર રહેવા આદેશ આપ્યો છે. પોલીસ, ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને એનડીઆરએફના જવાનો મળીને નીચાણવાળા વિસ્તારોમાં ફસાયેલા લોકોને મદદે આવી છે. તેલંગાણામાં બે દિવસની રજા જાહેર કરવામાં આવી છે.