જયપુર: રાજસ્થાનમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સીકરમાં 10 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જયપુરમાં 6 ઇંચ વરસાદ છે. ટોંક જિલ્લાના દતવાસ વિસ્તારમાં પૂરનો કહેર યથાવત છે. બંધ ટૂટતાં કેટલાક ગામોમાં પાણી ઘુસી ગયું છે. પૂરથી બચાવા લોકો ઘરના છાપરાનો સહારો લઈ રહ્યાં છે. કેટલાક લોકોને દોરડાની મદદથી બહાર કાઢવામાં આવ્યાં છે. દતવાસના બજારમાં અનેક દુકાનોની અંદરનો સામાન પાણીમાં તણાઈ ગયો છે. જ્યારે કેટલાક વાહન પણ તણાઈ ગયા છે.


સીકરમાં ભારે વરસાદના કારણે રેલવેના પાટા પર પાણી ભરાઈ ગયા છે. જેના કારણે સીકર રેલવે સ્ટેશન સુધી આવતી 12 ટ્રેનો છેલ્લા બે દિવસથી રદ કરવામાં આવતા હજારો યાત્રીઓ પ્રભાવિત થયા છે. ભારે વરસાદવાળા જિલ્લામાં શિક્ષણ વિભાગ અને કલેક્ટરે સ્કૂલોમં રજાને લઈને એડવાઈઝરી જાહેર કરી છે.


હવામાન વિભાગે આગામી બે દિવસમાં રાજસ્થાનના 28 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપી છે. જેમાં ત્રણ જિલ્લામાં અતિવૃષ્ટિને લઇને એલર્ટ જાહેર કર્યું છે. શુક્રવારે જયપુરના અનેક વિસ્તારોમાં ચાર થી પાંચ ઇંચ વરસાદ થયો હતો. જેના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા.