Heavy Rain :આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ છે. 24 લોકોના મોત નોંધાયા છે. 17 હજારથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સતત વરસી રહેલા વરસાદને કારણે નદીઓમાં પાણી ભરાયા છે. જેના કારણે મોટા પ્રમાણમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. લગભગ 140 ટ્રેનો રદ કરવામાં આવી છે. અનેક માર્ગો ડાયવર્ટ કરવામાં આવ્યા છે. શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ અને તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી સાથે વાત કરી છે. તેમણે બંને રાજ્યોની સ્થિતિ વિશે પૂછપરછ કરી અને કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી. આગામી દિવસોમાં બંને રાજ્યોમાં વધુ વરસાદની સંભાવના છે.


આંધ્રપ્રદેશમાં સતત બીજા દિવસે મુશળધાર વરસાદને કારણે 15 લોકોના મોત થયા છે. તો  તેલંગાણામાં 9 લોકોએ જીવ ગુમાવ્યો છે. આંધ્રમાં પૂરના પાણીમાં વધુ ત્રણ લોકો વહી ગયા હોવાની આશંકા છે. તેલંગાણામાં એક વ્યક્તિ ગૂમ છે.


દક્ષિણ મધ્ય રેલવેએ 140 ટ્રેનો રદ કરી છે


દક્ષિણ મધ્ય રેલવેએ 140 ટ્રેનો રદ કરી છે. 97 ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે.લગભગ 6,000 મુસાફરો વિવિધ સ્ટેશનો પર ફસાયેલા છે. આંધ્રપ્રદેશમાં પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી 17,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વિજયવાડામાં ભારે પૂર આવ્યું છે. અહીં 2.76 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે.


હૈદરાબાદની શાળાઓમાં રજાઓ આપવામાં આવી


હૈદરાબાદમાં ભારે વરસાદ થયો છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. હૈદરાબાદ જિલ્લામાં વધુ ભારે વરસાદની આગાહીને કારણે 2 સપ્ટેમ્બરે તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.      


તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં NDRFની 26 ટીમો તૈનાત


તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં પૂર રાહત અને બચાવ માટે NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) ની 26 ટીમો તૈનાત કરવામાં આવી છે. હવામાન વિભાગે આંધ્રપ્રદેશના ભાગોમાં 2 થી 5 સપ્ટેમ્બર સુધી ચાર દિવસ સુધી ભારે પવન સાથે  વરસાદની  આગાહી કરી છે. તેલંગાણામાં પણ સમાન હવામાન પરિસ્થિતિઓ સાથે અત્યંત ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.                                  


આ પણ વાંચો


Gujarat Rain Forecast: રાજ્યમાં આ જિલ્લામાં અતિભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ