મોનસૂન પહેલા ધોધમાર વરસાદેથી મુંબઈની રફતાર પર બ્રેક લાગી છે. ગુરુવારે રાત્રે મુંબઈના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદને પગલે પાણી ભરાયા હતા. ખાસ પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોમાં પવનના સૂસવાટા સાથે વરસાદ વરસ્યો હતો. ચોમાસાના વિધિવત આગમન પહેલાના આ પ્રિમોન્સૂન વરસાદે મુંબઈના લોકોને રાહત આપી છે.


મુંબઈના દહીસર, બોરીવલી, કાંદીવલી, મલાડ, ઘાટકોપર, વિદ્યાવિહાર, વિક્રોલી મુલુન્ડમાં વરસાદ પડ્યો. સાંજે અચાનક શરૂ થયેલા વરસાદને પગલે લોકલ સેવા પણ પ્રભાવીત થઈ. તો રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે કેટલાક વિસ્તારોમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. હવામાન વિભાગના મતે ચોમાસુ બે દિવસમાં મહારાષ્ટ્રમાં પહોંચશે.


ગુજરાતમાં વરસાદની આગાહી


આગામી 4 દિવસ ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ. હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર અમદાવાદ શહેરમાં વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે વરસાદની સાથે 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે.


તો જ્યાં વરસાદ વરસવાનો છે ત્યાં તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી સુધી ઘટશે. પ્રિમોનસૂન એક્ટિવિટીને લઈ હાલ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. અરબી સમુદ્રમાંથી દક્ષિણ-પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા હોવાથી ભેજની અસર છે.


આજે અમદાવાદ, આણંદ, ખેડા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસશે વરસાદ. તો સૌરાષ્ટ્રમાં સુરેંદ્રનગર, ભાવનગર અને બોટાદ જિલ્લામાં વરસશે વરસાદ.


11 જૂને અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણમાં વરસશે વરસાદ, જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં વરસાદ વરસશે.


12 જૂને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં વરસાદ વરસશે, તો દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ વરસશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે વરસાદની સાથે 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે, તો જ્યાં વરસાદ વરસવાનો છે ત્યાં તાપમાનનો પારો 4 ડિગ્રી સુધી ઘટશે.