રાંચી: ઝારખંડ મુક્તિ મોર્ચાના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેનએ રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂને મળી રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. રાજ્યપાલ સાથે મુલાકાત દરમિયાન ગઠબંધનના પક્ષો કૉંગ્રેસ-આરજેડીના વરિષ્ઠ નેતાઓ અને ધારાસભ્યો હાજર રહ્યા હતા. હેમંત સોરેન સાથે આરજેડી નેતા તેજસ્વી યાદવ અને કૉંગ્રેસ નેતા ટીએસ સિંહ દેવ અને આરપીએન સિંહ હાજર રહ્યા હતા.


હેમંત સોરેન 29 ડિસેમ્બરના બપોરે એક વાગ્યે મોરહાબાદી મેદાનમાં મુખ્મમંત્રી પદના શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહમાં વિપક્ષના રાષ્ટ્રીય સ્તરના નેતાઓ અને મુખ્યમંત્રીઓને આમંત્રણ આપવામાં આવશે.


ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ઝામુમો-કૉંગ્રેસ-રાજદ ગઠબંધનની જીત બાદ મંગળવારે હેમંત સોરેનને સર્વસમ્મતિથી ઝારખંડ મુક્તિ મોર્ચાના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. પાર્ટીના પ્રવક્તા સુપ્રિયો ભટ્ટાચાર્યએ જણાવ્યું કે તમામ ધારાસભ્યોએ સર્વસમ્મતિથી હેમંત સોરેનને ઝામુમોના ધારાસભ્ય દળને નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે.


હેમંત સોરેન પૂર્વ મુખ્મમંત્રી બાબુલાલ મારાંડીને મળ્યા હતા. બાબુલાલે કહ્યું મારી પાર્ટી કોઈપણ શરત વગર હેમંતને સપોર્ટ આપશે.

ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ઝામુમો-કૉંગ્રેસ-રાજદ ગઠબંધનને 81માંથી 47 બેઠકો મળી છે. રાજ્યમાં સત્તાધારી પાર્ટી ભાજપ 25 બેઠકો મેળવી શકી છે. ચૂંટણીમાં ઝારખંડમાં સૌથી મોટી પાર્ટી તરીકે બહુમતનો આંકડો પાર કર્યા બાદ હેમંત સોરેન સાત વાગ્યે ગઠબંધનની બેઠકમાં ભાગ લીધા બાદ આઠ વાગ્યા રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂને મળી પ્રદેશમાં સરકાર બનાવવાનો દાવો કરશે.

સરકારની સંરચના વિશે પૂછવામાં આવતા કૉંગ્રેસના ઝારખંડના પ્રભારી આરપીએન સિંહ અને હેમંત સોરેનએ જણાવ્યુ કે તેના પર વિસ્તૃત ચર્ચા કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે મુલાકાત બાદ થશે. આ પહેલા ઝામુમોએ મંગળવારે શિબૂ સોરેનના નિવાસ સ્થાને નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક બોલાવી હતી.