મોદી કેબિનેટે NPR અપડેટ કરાવવાને આપી મંજૂરી, એપ દ્વારા થશે વસતી ગણતરી
abpasmita.in | 24 Dec 2019 04:46 PM (IST)
એનપીઆર બનાવવાનું કામ આગામી એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચે કરવામાં આવશે. કેબિનેટે વસતી ગણતરી 2021 માટે 8,754.23 કરોડ રૂપિયા અને રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (NPR) અપડેશન માટે 3,941.35 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે.
નવી દિલ્હીઃ કેન્દ્રીય કેબિનેટે NPR (રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર)ને અપડેટ કરાવવાના ફેંસલાને મંજૂરીની મહોર મારી દીધી છે. તેની સાથે જ 2021માં થનારી વસતી ગણતરીને પણ મંજૂરી આપી છે. એનપીઆર બનાવવાનું કામ આગામી એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચે કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સમાં આ અંગે વિગતો આપતાં જણાવ્યું કે, મંત્રીમંડળે વસતિગણતરી 2021ના આયોજન અને રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટરને અપડેટ કરાવવાની મંજૂરી આપી દીધી છે. આ સ્વ-ઘોષણા છે. આ માટે કોઈ દસ્તાવેજ, બાયોમેટ્રિક કે અન્ય પૂરાવાની જરૂર નથી. વસતી ગણતરી 2021 માટે 8,754.23 કરોડ રૂપિયા અને રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (NPR) અપડેશન માટે 3,941.35 કરોડ રૂપિયાની મંજરી મળી છે. જાવડેકરે કહ્યું, એપ્રિલથી સપ્ટેમ્બર 2020 સુધી વસતિ ગણતરી થશે. તેમાં કોઈ દસ્તાવેજની જરૂર નહીં રહે. જે લોકો ભારતમાં રહે છે, તેની ગણના થશે. આ માટે એક વિશેષ એપ તૈયાર કરવામાં આવી છે. કેન્દ્રીય કેબિનેટે અટલ ભૂજલ યોજના (ATAL JAL)ને મંજૂરી આપી છે. ગુજરાત, હરિયાણા, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશના નક્કી કરવામાં આવેલા વિસ્તારોમાં 5 વર્ષમાં આ યોજના અંતર્ગત રૂપિયા 6000 કરોડ ખર્ચવામાં આવશે. તેમણે એમ પણ માહિતી આપી કે, કેન્દ્રીય કેબિનેટે સ્વદેશ દર્શન યોજનામાં 2018-19 દરમિયાન મંજૂર કરવામાં આવેલી 10 યોજનાઓ માટે 627.40 કરોડ રૂપિયાના ફંડને મંજૂરી આપી છે. સરકારે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના પદ માટેની પણ મંજૂરી આપી છે. રક્ષા સ્ટાફના વડા તરીકે નિયુક્ત કરવામાં આવનારા અધિકારી સૈન્ય મામલાના વિભાગના પ્રમુખ પણ હશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જાહેર કરી દાયકાની બેસ્ટ વન ડે ટીમ, ધોનીને બનાવ્યો કેપ્ટન