નવી દિલ્હીઃ ત્રિપુરા હાઇકોર્ટે રાજ્યના તમામ મંદિરોમાં પશુઓ અને પક્ષીઓની બલિ પર શુક્રવારે પ્રતિબંધ લગાવી દીધો છે. મુખ્ય ચીફ જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ અરિંદમ લોધની એક ખંડપીઠે એક જનહિત અરજી પર સુનાવણી કરતા આ આદેશ કર્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં કોઇને પણ રાજ્યની અંદર કોઇ પણ મંદિરના પરિસરમાં પશુ-પક્ષીની બલિ આપવાની મંજૂરી હશે નહીં. પીઠે તમામ જિલ્લા અધિકારીઓ અને પોલીસ અધિક્ષકોને આ આદેશને લાગુ કરવા કહ્યુ છે.

કોર્ટે રાજ્યના મુખ્ય સચિવને બે મુખ્ય મંદિરો, દેવી ત્રિપુરેશ્વરી મંદિર અને ચતુરદાસ દેવતા મંદિરમાં તત્કાળ સીસીટીવી કેમેરા લગાવવાનો પણ આદેશ આપ્યો છે. આ બંન્ને મંદિરોમાં મોટી સંખ્યામાં  પશુઓની બલિ આપવામાં આવે છે.

હાઇકોર્ટના આ આદેશને જ્યાં મોટાભાગના લોકોએ સ્વાગત કર્યું હતું. જ્યારે કેટલાક લોકોએ તેના પર સવાલ ઉઠાવ્યા છે. કોગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ પ્રદ્યોત કિશોર મનિક્યાએ આ પગલાને યોગ્ય ઠેરવ્યા હતા. જોકે, તેમણે કહ્યું કે, જો કોર્ટ મંદિરોમાં પશુ બલિ પર પ્રતિબંઘ લગાવવાનો નિર્ણય આપે છે તો તેમણે ઇદ દરમિયાન પણ આ પ્રકારનો આદેશ આપવો જોઇએ. નોંધનીય છે કે આ અગાઉ વર્ષ 2014માં હિમાચલ પ્રદેશ હાઇકોર્ટે પણ મંદિરોમાં પશુઓની બલિ પર પ્રતિબંધ લગાવ્યો હતો. હાઇકોર્ટે કહ્યુ હતું કે, ઇશ્વરને પ્રસન્ન કરવા માટે બર્બર રીતે પશુ વધની મંજૂરી આપી શકાય નહીં. આખા રાજ્યમાં કોઇ પણ વ્યક્તિ સાર્વજનિક ધાર્મિક સ્થળ પર કોઇ પશુની બલિ આપશે નહીં.