હૈદરાબાદઃ ભારતીય ક્રિકેટના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન ટૂંક સમયમાં નવી ઇનિંગની શરૂઆત કરી શકે છે. સૂત્રોના મતે અઝહરુદ્દીન કોગ્રેસ છોડીને ચંદ્રશેખર રાવની પાર્ટી તેલંગણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ)માં સામેલ થઇ શકે છે. સૂત્રોના મતે અઝહરુદ્દીને ટીઆરએસ અને તેના કાર્યકારી અધ્યક્ષના ટી રામારાવની મદદથી હૈદરાબાદ ક્રિકેટ અસોસિયેશનના અધ્યક્ષ બન્યા છે.અઝહરુદ્દીને તેલંગણાના મુખ્યમંત્રીને મળવાનો સમય માંગ્યો છે.

મોહમ્મદ અઝહરુદ્દીન આ મહિને 27 સપ્ટેમ્બરના રોજ હૈદરાબાદ ક્રિકેટ સંઘના અધ્યક્ષ બન્યા હતા. પૂર્વ કેપ્ટને ચૂંટણીમાં 147-73ની લીડ સાથે જીત હાંસલ કરી છે. એચસીના અધ્યક્ષ બનવા પર ટી રામારાવ અઝહરને અભિનંદન આપ્યા હતા. રામારાવે ટ્વિટ કરી કહ્યું કે, એચસીએ અધ્યક્ષ અઝહરના નેતૃત્વમાં હૈદરાબાદ ક્રિકેટ અસોસિયેશનના નવા ચૂંટાયેલા અધિકારીઓને અભિનંદન. હૈદરાબાદ ક્રિકેટને ફરીથી જીવંત કરવા માટે સરકાર તરફથી તમામ પ્રકારનું સમર્થન આપવાનું વચન આપ્યું છે. ગ્રામીણ પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવા માટે તેઓ જિલ્લા ક્રિકેટ સંઘોનું સમર્થન કરવાની વિનંતી કરી હતી.

કોગ્રેસે લોકસભા ચૂંટણી અગાઉ અઝહરુદ્દીનને પાર્ટીના તેલંગણા એકમના કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા હતા. તે 2009માં લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશના મુરાદાબાદ બેઠક પરથી સાંસદ બન્યા હતા પરંતુ 2014માં રાજસ્થાનના ટોંક સવાઇ માધોપુરથી તેઓને હારનો સામનો કરવો પડ્યો હતો.