Hijab Row: કર્ણાટકમાં રવિવારે મોડી રાત્રે બજરંગ દળના કાર્યકરની ચાકુ મારીને હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. કર્ણાટકના શિવમોગા જિલ્લામાં 26 વર્ષીય બજરંગ દળના કાર્યકરની હત્યા બાદ તણાવ વધી ગયો છે. આ ઘટના રાત્રે 9 વાગ્યે બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર મૃતકનું નામ હર્ષ છે. સાથે જ પોલીસની વાત માનીએ તો પ્રાથમિક તપાસમાં તેને હિજાબ વિવાદ સાથે પણ જોડવામાં આવી રહ્યો છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે હર્ષાએ તાજેતરમાં જ તેની ફેસબુક પોસ્ટ પર હિજાબ વિરુદ્ધ અને કેસરી શાલના સમર્થનમાં એક પોસ્ટ લખી હતી.
આ ઘટના અંગે કર્ણાટકના ગૃહમંત્રી અરગા જ્ઞાનેન્દ્રએ કહ્યું કે, '4-5 યુવકો દ્વારા 26 વર્ષના યુવકની હત્યા કરવામાં આવી હતી. મને ખબર નથી કે આ હત્યા પાછળ કોઈ સંગઠન છે કે કેમ. હાલમાં શિવમોગામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નિયંત્રણમાં રાખવા માટે સાવચેતીના પગલારૂપે શહેરની તમામ શાળાઓ અને કોલેજો બે દિવસ માટે બંધ રાખવામાં આવી છે.
કર્ણાટકના ઉડુપીથી શરૂ થયેલો હિજાબ વિવાદ હવે આખા દેશમાં ફેલાઈ ગયો છે. સોશિયલ મીડિયાથી લઈને રોડ પર, મોટા નેતાઓથી લઈને સામાન્ય લોકો આ વિવાદ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી રહ્યા છે. બીજી તરફ હિજાબ વિવાદની શરૂઆત સાથે બજરંગ દળ પણ આ મામલે ખૂબ સક્રિય થઈ ગયું છે અને સોશિયલ મીડિયા સહિત દરેક જગ્યાએ શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ ન પહેરવાનું સતત સમર્થન કરી રહ્યું છે. આવી સ્થિતિમાં હર્ષા દ્વારા લખવામાં આવેલી પોસ્ટ અને આ ઘટનાને એકસાથે જોડવામાં આવી રહી છે. જો કે પોલીસ હજુ પણ આ અંગે કંઈ કહેવાનું ટાળી રહી છે.
એક તરફ કર્ણાટકમાં હિજાબ વિવાદને લઈને પહેલેથી જ માહોલ તણાવ ભર્યો હતો ત્યાં બજરંગ દળના કાર્યકરની હત્યા બાદ લોકોમાં ભયનો માહોલ છે. આ મામલે હાલ તપાસ ચાલી રહી છે અને જિલ્લાની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
શું છે હિજાબ વિવાદ
હિજાબ વિવાદની શરૂઆત ગત મહિને ઉડુપી ગવર્નમેન્ટ પ્રિ-યુનિવર્સિટી કોલેજની કેટલીક વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરીને કોલેજ કેમ્પસમાં પ્રવેશ્યા બદ તેમને વર્ગોમાં જવાની મંજૂરી આપવામાં ન આવતાં થઈ હતી. કોલેજના સંચાલકો કહેવું છે કે જે વિદ્યાર્થીનીઓ પહેલા હિજાબ વગર આવતી હતી તેઓ અચાનક હિજાબ પહેરીને આવવા લાગી છે. બાદમાં, વિદ્યાર્થિનીઓએ હિજાબ વગર ક્લાસમાં જવાની ના પાડીને વિરોધ કર્યો. આ મુદ્દો વિવાદ બન્યો હતો અને કર્ણાટકના અન્ય જિલ્લાઓ ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. જેના કારણે તણાવ સર્જાયો છે અને હિંસા પણ થઈ છે.