મુંબઈ:  તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ (KCR) રવિવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(uddhav thackeray) અને શરદ પવાર(Sharad pawar)ને મળ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે 2024ની લોકસભા ચૂંટણી પહેલા આ બેઠક ભાજપ વિરુદ્ધ મજબૂત મોરચો બનાવવા માટે થઈ છે.


બંગાળના સીએમ મમતા બેનર્જીની જેમ કે ચંદ્રશેખર રાવ પણ કોંગ્રેસ વિના ત્રીજા મોરચાની હિમાયત કરી રહ્યા છે. કોંગ્રેસે હવે ત્રણેય નેતાઓની આ બેઠક પર સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસનું કહેવું છે કે શું કોંગ્રેસ વગર વિપક્ષનું કોઈપણ ગઠબંધન શક્ય છે ? સાથે જ ભાજપનું કહેવું છે કે શિવસેના અને અન્ય પક્ષો ત્રીજો મોરચો બનાવે તો પણ તેની કોઈ અસર નહીં થાય.


કોંગ્રેસના નેતા સંજય નિરુપમે કહ્યું કે, તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ મુંબઈ આવ્યા અને સત્તાધારી ગઠબંધનના નેતાઓને મળ્યા અને કહ્યું કે વિપક્ષ ભાજપ વિરુદ્ધ ગઠબંધન કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. શું કોંગ્રેસ વિના આ શક્ય છે ? આ સવાલ અઘાડીના નેતાઓને છે.


સાથે જ કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું કે, શિવસેના અને અન્ય પક્ષો સાથે મળીને ત્રીજો મોરચો બનાવે તો પણ અમને (એનડીએ)ને કોઈ ફરક પડશે નહીં. વર્ષ 2024માં ભાજપ ફરી સત્તામાં આવશે. અત્યારે જ્યાં ચૂંટણી ચાલી રહી છે તે પાંચ રાજ્યોમાં અમે જીતીશું.


મીટિંગ બાદ KCRએ શું કહ્યું


કેસીઆરએ કહ્યું, તેલંગાણા રાજ્યની રચના સમયે શરદ પવારે સમર્થન આપ્યું હતું. અમે તેમનો આભાર માનીએ છીએ. આ દેશ બરાબર ચાલી રહ્યો નથી. વિકાસ યોગ્ય રીતે થઈ રહ્યો નથી. આઝાદીના 75 વર્ષ પછી જે પ્રકારની સ્થિતિ હોવી જોઈએ તે નથી. એક નવા એજન્ડા અને આશા સાથે દેશને આગળ લઈ જવાનો સમય આવી ગયો છે. શક્ય તેટલી વહેલી તકે અમે દેશના અન્ય પક્ષો સાથે વાત કરીશું અને બધા સાથે બેસીશું. આજે નિર્ણય લેવાયો છે કે તમામ લોકો સાથે વાત કરીને કોઈ રસ્તો કાઢીશું અને ત્યાર બાદ જનતાની સામે એજન્ડા રજૂ કરીશું.