Himachal Cloudburst:હિમાચલ પ્રદેશના મંડીમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ સર્જાયો યો છે, ભૂસ્ખલન અને કાટમાળ પડવાથી ત્રણ લોકોના મોત થયા છે. આ આફતને કારણે રાજ્યના ઘણા ભાગોમાં જનજીવન ખોરવાઈ ગયું છે.
ફરી એકવાર, હિમાચલ પ્રદેશના મંડીમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ થયો છે. ભૂસ્ખલનને કારણે ઘણો કાટમાળ પડ્યો છે, જેમાં લગભગ ત્રણ લોકોના મોત થયા છે. હિમાચલના ઘણા વિસ્તારોમાં કુદરતી આફતને કારણે લોકોના જનજીવન ઠપ્પ થઈ ગયા છે.
મંડીના ડીસી અપૂર્વ દેવગને માહિતી આપી છે કે, જેલ રોડ નજીકના વિસ્તારમાં 3 લોકોના મોત થયા છે. એક મહિલાની શોધખોળ ચાલુ છે. ભૂસ્ખલનના કારણે કાટમાળ રોડ પર આવતા રસ્તો બ્લોક થયો છે, જ્યાં વાહનો ફસાયેલા છે, લોકો અહીંથી સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરી રહ્યા છે.
અપૂર્વ દેવગને જણાવ્યું હતું કે ટીમે રાહત શિબિરો પણ સ્થાપી છે. વીજળી વિભાગ, પીડબ્લ્યુડી, જળ શક્તિની બધી ટીમો રસ્તાઓ પર છે અને રાહત કામગીરીમાં રત છે.
મોડી રાત્રે મંડીમાં ભારે નુકસાન, NDRF તૈનાત
હિમાચલ પ્રદેશ વિધાનસભામાં વિપક્ષના નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકુરે જણાવ્યું હતું કે, "વરસાદને કારણે મંડી શહેરમાં ઘણું નુકસાન થયું છે. ગઈકાલે રાત્રે આખી રાત ભારે વરસાદ પડ્યો. અહીં નુકસાન સવારે 3:30 થી 4.00 વાગ્યાની વચ્ચે થયું હતું. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ, 3 મૃતદેહ મળી આવ્યા છે અને એક વ્યક્તિ ગુમ છે. NDRFની ટીમો અહીં પહોંચી ગઈ છે. રાહત કાર્ય ચાલુ છે. હું વહીવટીતંત્ર અને સરકારને શક્ય તેટલી વહેલી તકે રાહત કાર્ય કરવા વિનંતી કરું છું."
આ વિસ્તારોમાં સૌથી વધુ નુકસાન
મંડીમાં વિનાશને કારણે સૌથી વધુ નુકસાન જેલ રોડ, ઝોનલ હોસ્પિટલ માર્ગ અને સૈન વિસ્તારમાં થયું છે. ભૂસ્ખલનને કારણે કિરાતપુર મનાલી ફોરલેન અને પઠાણકોટ મંડી રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ થઈ ગયો છે.
લોકો વિનાશથી બચવા માટે દોડ્યા
તબાહી સમયે ઘણા લોકો ઘટનાસ્થળે હાજર હતા. જ્યારે તેઓએ કાટમાળ પડતો જોયો, ત્યારે તેઓ પોતાનો જીવ બચાવવા માટે અહીં-ત્યાં દોડવા લાગ્યા. કેટલાક લોકો દુકાનોમાં ઘૂસી ગયા જ્યારે કેટલાકે નજીકના ઘરોમાં આશરો લીધો. લોકો કહે છે કે આ દ્રશ્ય ખૂબ જ ભયાનક હતું. થોડી જ ક્ષણોમાં આખો વિસ્તાર કાટમાળથી ઢંકાઈ ગયો.