Himachal Pradesh CM Race: હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને બહુમતી મળ્યા બાદ મુખ્યમંત્રીની ખુરશીને લઈને ભારે ખેંચતાણ ચાલી રહી છે. આજે યોજાયેલી ધારાસભ્ય દળની બેઠકમાં હાઈકમાન્ડને મુખ્યમંત્રીની પસંદગી માટે સત્તા સોંપવામાં આવી છે.  આજે આજે સાંજે 5 વાગ્યે ફરી એકવાર શિમલામાં સ્થિત હિમાચલ પ્રદેશ વિધાનસભામાં કોંગ્રેસ વિધાનમંડળ દળની બેઠક બોલાવવામાં આવી છે. વિધાયક દળની બેઠકમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી શકે છે અને આગામી બે દિવસમાં શપથગ્રહણ પણ થઈ શકે છે. હિમાચલ કોંગ્રેસના અધ્યક્ષ પ્રતિભા સિંહ, પ્રચાર સમિતિના અધ્યક્ષ સુખવિંદર સિંહ સુખુ અને 13મી વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા મુકેશ અગ્નિહોત્રી મુખ્યમંત્રી પદની રેસમાં મોખરે છે.


આજે સાંજે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક


સાંજે 4 વાગ્યે ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત બાદ સોમવાર, 12 ડિસેમ્બર સુધીમાં શપથ ગ્રહણ સમારોહ પણ યોજાઈ શકે છે. શપથ ગ્રહણ સમારોહ રાજધાની શિમલાના રિજ મેદાનમાં યોજવાનો પ્રસ્તાવ છે. અધિકારીઓએ પણ શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ શરૂ કરી દીધી છે. વહીવટી સ્તરે લગભગ તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. હવે માત્ર મુખ્યમંત્રીના નામ પર મહોર મારવાની રાહ જોવાઈ રહી છે.


ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા પર ચર્ચા વિચારણા


હિમાચલ કોંગ્રેસમાં મુખ્યમંત્રીની ખુરશીને લઈ મુદ્દો પેચીદો બનતા ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જો મુખ્યમંત્રીના નામની જાહેરાત બાદ પણ સર્વસંમતિ ન બને તો ડેપ્યુટી સીએમ પદ પણ કદ્દાવર નેતાને આપવામાં આવી શકે છે. આ માટે શિમલા ગ્રામીણથી ધારાસભ્ય અને પ્રતિભા સિંહના પુત્ર વિક્રમાદિત્ય સિંહનું નામ આ રેસમાં આગળ ચાલી રહ્યું છે. તાજેતરમાં હિમાચલ પ્રદેશ ઉપરાંત રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે.


આ અગાઉ રાજસ્થાનમાં પણ કોંગ્રેસે ડેપ્યુટી સીએમનું પદ આપીને સમીકરણ સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે મામલો વણસતા સચિન પાયલટે ડેપ્યુટી સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. કંઈક આવી જ રીતે છત્તીસગઢમાં પણ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને આરોગ્ય મંત્રી ટીએસ સિંહ દેવ વચ્ચે આંતરીક લડાઈના અહેવાલો સમયાંતરે સામે આવતા રહે છે. અગાઉ મધ્ય પ્રદેશમાં પણ કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયા વચ્ચેની લડાઈનો ભાજપને ભરપુર ફાયદો થયો હતો અને ત્યાં તો સરકાર જ પડી ભાંગી હતી.