હિમાચલ પ્રદેશમાં વરસાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. હવામાન વિભાગ (IMD) એ ફરી એકવાર હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે 22 થી 24 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી આપી છે અને 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે. હવામાન વિભાગે હિમાચલ પ્રદેશના 12માંથી 8 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરતા રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ આઠ જિલ્લાઓમાં બિલાસપુર, હમીરપુર, કુલ્લુ, મંડી, શિમલા, સોલન, સિરમૌર અને ઉનાનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં મંગળવારે પણ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે મંડીના કેટલાક વિસ્તારોમાંથી ભૂસ્ખલનના અહેવાલ છે.






હિમાચલ પ્રદેશના શિમલામાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે 23 અને 24 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી કરતા શિમલા શહેર માટે 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે. ભારે વરસાદ માટે 'રેડ' એલર્ટને ધ્યાનમાં રાખીને શિમલા જિલ્લામાં તમામ આંગણવાડીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ 23 અને 24 ઓગસ્ટે બંધ રહેશે.



આ અઠવાડિયે વરસાદથી કોઈ રાહત નહીં મળે


હવામાન વિભાગે ચંબા અને મંડી જિલ્લાના કેચમેન્ટ વિસ્તારોમાં અચાનક પૂરની ચેતવણી આપી છે.  હવામાન વિભાગ દ્વારા  26 ઓગસ્ટ સુધી વરસાદ  રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે ભારે વરસાદથી ભૂસ્ખલન થઈ શકે છે, અચાનક પૂરથી નદીઓ અને નાળાના જળ સ્તરમાં વધારો થઈ શકે છે. જે ઉભા પાક, ફળ ઝાડ અને છોડને નુકસાન પહોંચાડી શકે છે. હવામાન વિભાગે રાજ્યમાં 28 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરી છે.


એક સપ્તાહમાં 78 લોકોના મોત,  અત્યાર સુધીમાં 227 લોકોએ જીવ ગુમાવ્યા છે


શિમલામાં શિવ મંદિરના કાટમાળમાંથી વધુ એક મૃતદેહ મળ્યા બાદ શનિવારે હિમાચલ પ્રદેશમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં મૃત્યુઆંક વધીને 78 પર પહોંચી ગયો છે. શિમલાના પોલીસ અધિક્ષક સંજીવ કુમાર ગાંધીએ જણાવ્યું હતું કે ગત રવિવાર રાતથી રાજ્યમાં થયેલા 78 મૃત્યુમાંથી 24 મૃત્યુ એકલા શિમલામાં ત્રણ મોટા ભૂસ્ખલનમાં થયા છે. તેમણે જણાવ્યું કે તેમાંથી સમર હિલના શિવ મંદિરમાં 17 લોકોના મોત થયા છે, જ્યારે ફાગલીમાં પાંચ લોકોના મોત થયા છે, જ્યારે કૃષ્ણ નગરમાં બે લોકોના મોત થયા છે.


હિમાચલમાં 24 જૂને ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધીમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા 227 લોકોના મોત થયા છે, જ્યારે 38 લોકો હજુ પણ ગુમ છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર, 12,000 થી વધુ મકાનોને સંપૂર્ણ અથવા આંશિક રીતે નુકસાન થયું છે.


રાજ્ય સરકારે લોકોને વહેતી નદીઓ અને ભૂસ્ખલનની સંભાવનાવાળા વિસ્તારોમાં ન જવાની સલાહ આપી છે. રાજ્યમાં વરસાદને કારણે અત્યાર સુધીમાં 8099 કરોડની સરકારી અને ખાનગી સંપત્તિને નુકસાન થયું છે. આના કારણે જ PWDને 2712.19 કરોડની સંપત્તિનું નુકસાન થયું છે.