Himachal Pradesh News:  હિમાચલ પ્રદેશમાં રવિવારે ભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે ભૂસ્ખલન અને નદીઓમાં અચાનક પૂર આવ્યું હતું. દરમિયાન ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા. રસ્તાઓ, વાહનો અને મકાનો ધોવાઈ ગયા હતા અને છ લોકોના મોત થયા હતા.






રાજ્ય સરકારે બે દિવસ માટે શાળા અને કોલેજો બંધ રાખવાનો આદેશ આપ્યો છે. મુશળધાર વરસાદ બાદ ચંદીગઢ-મનાલી નેશનલ હાઈવે સહિત 765 રસ્તાઓ બંધ થઈ ગયા છે. લાહૌલ-સ્પીતિના ચંદ્રતાલ અને સોલન જિલ્લાના સાધુપુલ સહિત રાજ્યના વિવિધ ભાગોમાં સેંકડો લોકો ફસાયેલા છે.






અધિકારીઓએ જણાવ્યું હતું કે છેલ્લા 48 કલાકમાં ભૂસ્ખલનની 20 મોટી ઘટનાઓ અને અચાનક પૂરની 17 ઘટનાઓ નોંધાઈ છે. 30 થી વધુ મકાનોને સંપૂર્ણ અને આંશિક નુકસાન થયું છે. રાવી, બિયાસ, સતલજ, સ્વાન અને ચિનાબ સહિતની તમામ મોટી નદીઓ ઉફાન પર છે.  


ઉનામાં 1993 પછી સૌથી વધુ વરસાદ


જ્યારે રવિવારે વરસાદ સંબંધિત ઘટનાઓમાં છ લોકોના મોત થયા હતા. રાજ્યના ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર 24 જૂને ચોમાસાની શરૂઆત થઈ ત્યારથી મૃત્યુઆંક વધીને 54 થયો છે.






હવામાન વિભાગના શિમલા સ્થાનિક કાર્યાલયના ડિરેક્ટર સુરેન્દ્ર પૌલે જણાવ્યું હતું કે સોલનમાં રવિવારે 135 મીમી વરસાદ નોંધાયો હતો, જેણે 1971માં એક જ દિવસમાં 105 મીમીનો 50 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો, જ્યારે ઉનામાં 1993 પછી સૌથી વધુ વરસાદ પડ્યો હતો.


મનાલીમાં ભારે વરસાદને કારણે દુકાનો ધોવાઈ ગયાના અહેવાલો છે. કુલ્લુ, કિન્નૌર અને ચંબામાં અચાનક પૂરમાં વાહનો તણાઇ ગયા અને ખેતીની જમીનને નુકસાન થયું હોવાના અહેવાલો છે. શિમલા જિલ્લામાં ઘણા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે શિમલા જિલ્લાના કોથગઢ વિસ્તારમાં ભૂસ્ખલનને કારણે એક મકાન ધરાશાયી થયું, જેમાં એક પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતા. મૃતકોની ઓળખ અનિલ, તેની પત્ની કિરણ અને પુત્ર સ્વપ્નિલ તરીકે થઈ છે.






મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ આ અકસ્માતો પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે જિલ્લા વહીવટીતંત્રને અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક રાહત આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ઘટનાસ્થળે હાજર પોલીસ અધિક્ષક મયંક ચૌધરીએ જણાવ્યું કે તમામ લોકો સુરક્ષિત છે અને ભોજન અને જરૂરી દવાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. એકાદ-બે દિવસમાં રસ્તાઓ ઠીક થતાં જ તેમને બહાર કાઢવામાં આવશે.


બે દિવસ કોલેજો બંધ


હિમાચલ પ્રદેશ સરકારે 10 અને 11 જુલાઈના રોજ બે દિવસ માટે તમામ સરકારી અને ખાનગી શાળાઓ અને કોલેજોને બંધ કરી દીધી છે.