Weather Today In Punjab And Haryana: રવિવારે પંજાબ અને હરિયાણાના ઘણા ભાગોમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી. સત્તાવાળાઓએ કેટલાક પ્રભાવિત વિસ્તારોમાં શાળાઓ બંધ કરવાનો આદેશ આપ્યો હતો, જ્યારે પંજાબના કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદને કારણે સેનાને એલર્ટ પર રાખવામાં આવી હતી.






અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભારે વરસાદના કારણે રાજ્યોના મુખ્ય માર્ગો પર ટ્રાફિક અવરોધાયો હતો અને ફ્લાઇટ્સ મોડી પડી હતી. પંજાબના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) ગૌરવ યાદવે જણાવ્યું હતું કે સંભવિત પૂરને કારણે ઊભી થતી કોઈપણ કટોકટીને પહોંચી વળવા માટે ઝીણવટભરી વ્યવસ્થા કરવામાં આવી છે. પૂર પ્રભાવિત જિલ્લાઓમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની કેટલીક ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. જેમાં મોહાલી અને ફતેહગઢ સાહિબ પણ સામેલ છે. પંજાબના સ્પેશિયલ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ અર્પિત શુક્લાએ કહ્યું કે સેનાના જવાનોને પણ આ વિસ્તારોમાં સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે.


પંજાબમાં બે દિવસથી ભારે વરસાદ


પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કેબિનેટ મંત્રીઓ, ડેપ્યુટી કમિશનરો, વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી) અને અન્ય સંબંધિત અધિકારીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈને લોકોને મદદ કરવાનો નિર્દેશ આપ્યા છે. ભગવંત માને ટ્વિટ કર્યું હતું કે પંજાબમાં બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને નદીના કિનારે રહેતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે કહ્યું કે તમે તમામ મંત્રીઓ, ધારાસભ્યો અને તમામ જિલ્લાના ડેપ્યુટી કમિશનરો અને એસએસપીને લોકોની વચ્ચે જવાની સૂચના આપવામાં આવી છે. પંજાબના જળ સંસાધન મંત્રી ગુરમીત સિંહ મીત હેયરે કહ્યું હતું કે મુખ્યમંત્રી માનના નિર્દેશોનું પાલન કરતા જળ સંસાધન વિભાગે ભારે વરસાદથી પેદા થનારી કોઇ પણ અનિચ્છનીય સ્થિતિને પહોંચી વળવાની તૈયારી કરી લીધી છે.


રોપર હેડવર્કસમાંથી 1.45 લાખ ક્યુસેક પાણી છોડાયું


હરિયાણામાં અંબાલા જિલ્લામાંથી વહેતી ત્રણ નદીઓ મારકંડા, ઘગ્ગર અને ટાંગરી ખતરાના નિશાનની નજીક વહી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે અંબાલા કેન્ટોનમેન્ટ પાસે ટાંગરી બીચ નજીક રહેતા ઘણા લોકોને સુરક્ષિત સ્થાનો પર જવા માટે કહેવામાં આવ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર પંજાબના રોપર હેડવર્કસમાંથી 1.45 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે અને ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. સુખના તળાવના કેચમેન્ટ વિસ્તારોમાં અવિરત વરસાદને કારણે ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે. રવિવારે ઘગ્ગર નદી અને તેની સહાયક નદીઓમાં પાણીનું સ્તર વધ્યું હતું.


શું કહ્યું હવામાન વિભાગે


હવામાન વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે હરિયાણાના પંચકુલા, યમુનાનગર, અંબાલા, કરનાલ, કુરુક્ષેત્ર અને સોનીપત સહિતના ઘણા વિસ્તારોમાં સતત બીજા દિવસે વરસાદ પડ્યો છે, જ્યારે પંજાબના ફતેહગઢ સાહિબ, મોહાલી, રૂપનગર અને પટિયાલામાં પણ ભારે વરસાદ થયો છે. પટિયાલાના ડેપ્યુટી કમિશનર સાક્ષી સાહનીએ રવિવારે અરાઈ માજરામાં બડી નદીના કિનારે બાંધવામાં આવેલા મકાનોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ જવાનો આદેશ જાહેર કર્યો હતો. પંજાબ અને હરિયાણામાં કેટલીક જગ્યાએ ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા, જેના કારણે લોકોને મુશ્કેલી પડી હતી. હરિયાણાના અંબાલામાં કાપડ બજારની ઘણી દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે.


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચંદીગઢમાં રવિવારે સવારે 8.30 વાગ્યે પૂરા થયેલા 24 કલાક દરમિયાન 302.2 મીમી વરસાદ નોંધાયો હતો. વરસાદ બાદ બંને રાજ્યો અને ચંદીગઢમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. હવામાન વિભાગે પંજાબ અને હરિયાણાના જુદા જુદા ભાગોમાં વરસાદ ચાલુ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.