CLAIM

વીડિયોમાં જોઈ શકાય છે કે મુસ્લિમોએ ઇફ્તારમાં સામેલ થવા ગયેલા એક હિન્દુને માર માર્યો હતો.

 FACT CHECK

BOOMને જાણવા મળ્યું કે આ વીડિયો સ્ક્રિપ્ટેડ છે. મૂળ વીડિયો Prank Buzz નામની યુટ્યુબ ચેનલ પર વર્ષ 2024માં શેર કરવામાં આવ્યો હતો. ચેનલ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, આ એક એક્સપેરિમેન્ટલ વીડિયો હતો.

સોશિયલ મીડિયા પર રમઝાન દરમિયાન રોઝા ઇફતારમાં સામેલ થવા આવેલા હિન્દુ સાથે માપીટ કરવામાં આવી હોવાના સાંપ્રદાયિક દાવાથી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે

BOOMને ફેક્ટ ચેકમાં જાણવા મળ્યું કે આ વીડિયો સ્ક્રિપ્ટેડ હતો. Prank Buzz નામની યુટ્યુબ ચેનલે તેને 6 એપ્રિલ 2024 ના રોજ અપલોડ કર્યો હતો. આ એક એક્સપેરિમેન્ટલ વીડિયો હતો જે એક હિન્દુના મસ્જિદની અંદર ઈફ્તારમાં હાજરી આપવા પર મુસ્લિમ સમુદાયની પ્રતિક્રિયા જોવા માટે બનાવવામાં આવ્યો હતો.

રમઝાન મહિનો ચાલુ છે જે ઈદ-ઉલ-ફિત્ર સાથે સમાપ્ત થશે. આને ધ્યાનમાં રાખીને યુઝર્સ સ્ક્રિપ્ટેડ વીડિયોને સાચો માની શેર કરી રહ્યા છે.

વાયરલ ક્લિપમાં જોઇ શકાય છે કે એક વ્યક્તિ ઇફતારમાં સામેલ થવા ભગવા વસ્ત્રો પહેરીને પહોંચે છે. ત્યાં હાજર લોકો તેને ઉઠાવીને બહાર લઇ જાય છે અને તેની સાથે મારપીટ કરે છે.

ફેસબુક પર એક વેરિફાઇડ યુઝરે આ વીડિયો શેર કરતા લખ્યું હતું કે "...ધર્મનિરપેક્ષ હિન્દુ ઈફતારમાં સામેલ થઇને ભાઈચારોનો સંદેશ આપવા ગયો હતો, ચારા બનીને રહી ગયો

પોસ્ટની આર્કાઇવ લિંક.

ફેક્ટ ચેકઃ વાયરલ વીડિયો સ્ક્રિપ્ટેડ છે

વીડિયોના રાઇટ ટૉપ કોર્નર પર Prank લખેલું જોવા મળી રહ્યુ છે. આનાથી અમને શંકા થઈ કે વીડિયો સાથે કરવામાં આવી રહેલો દાવો ખોટો છે.

આની તપાસ કરવા માટે અમે સંબંધિત કીવર્ડ્સને ગુગલ કર્યા. આ દ્વારા અમને  Prank Buzz  નામની યુ-ટ્યુબ ચેનલ પર 6 એપ્રિલ, 2024ના રોજ અપલોડ કરવામાં આવેલા સાત મિનિટનો મૂળ વીડિયો મળ્યો. તેના ટાઇટલમાં તેને સોશિયલ એક્સપેરિમેન્ટ વર્ણવવામાં આવ્યો હતો.

વીડિયોની શરૂઆતમાં વાયરલ ક્લિપમાં દેખાતા બંને લોકો તેમના પ્રયોગ વિશે વાત કરતા જોવા મળે છે. આમાં, ભગવા પહેરેલો એક વ્યક્તિ કહે છે કે આજે આપણે હિન્દુ સંન્યાસી બનીને મસ્જિદમાં ઇફતાર કરવા જઇશું.

આ પછી ઇસ્લામની ટોપી પહેરેલો વ્યક્તિ કહે છે કે અમે મુસ્લિમ બનીને તેની સાથે મારપીટ કરીશું. ચાલો જોઈએ કે મસ્જિદમાં હાજર લોકો આના પર કેવી પ્રતિક્રિયા આપે છે અને તેઓ કોનું સમર્થન કરે છે.

સોશિયલ એક્સપેરિમેન્ટ માટે બનાવ્યો વીડિયો

વીડિયોમાં આગળ મુસ્લિમ વ્યક્તિ ઇફ્તારમાં સામેલ લોકોની સાથે ભગવા વસ્ત્રો પહેરેલા માણસ પર હુમલો કરે છે અને તેની સાથે મારપીટ કરવાનું નાટક કરવા લાગે છે અને હિન્દુ હોવાના કારણે તેને બહાર કાઢવાનો પ્રયાસ કરે છે.

આના પર અન્ય લોકો હિન્દુ માણસના સમર્થનમાં દરમિયાનગીરી કરે છે અને મારપીટ કરી રહેલા લોકોને જ બહાર કાઢી મુકે છે.

અંતમાં બંને તેમના એક્સપેરિમેન્ટલ વીડિયો અંગે જણાવતા હિન્દુ મુસ્લિમ એકતાનો સંદેશ આપે છે. વીડિયોના એક દ્રશ્યમાં બંને બધા સાથે મળીને ઇફતારી કરતા જોવા મળે છે.

અમને વીડિયો સાથે એક ડિસ્ક્રિપ્શન પણ મળ્યું છે જેમાં કહેવામાં આવ્યું હતું કે આ વીડિયો મનોરંજનના હેતુ માટે બનાવવામાં આવ્યો હતો.

Prank Buzzના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી મળેલી માહિતી મુજબ, આ કોલકાતા સ્થિત ચેનલ છે. આવા વધુ પ્રાયોગિક વિડિયોઝ ચેનલ પર જોઈ શકાય છે. બંને પુરુષો ઘણા વીડિયોમાં પણ જોવા મળી રહ્યા છે.

વાયરલ વીડિયો સાથે સંબંધિત કેટલીક તસવીરો Prank Buzzના ઇન્સ્ટાગ્રામ પર પણ છે, જેમાં વાયરલ ક્લિપમાંનો વ્યક્તિ દેખાય છે. અહીં અમને ખબર પડી કે મુસ્લિમ બનેલા વ્યક્તિનું નામ દેવરાજ છે અને હિન્દુ બનેલા વ્યક્તિનું નામ સ્વાગત બેનર્જી છે.

Disclaimer: આ સમાચારનું ફેક્ટ ચેક boomliveએ કર્યુ છે, એબીપી અસ્મિતાએ શક્તિ કલેક્ટિવની સાથે ભાગીદારી અંતર્ગત આ ફેક્ટ ચેકમાં કોઇપણ ફેરફાર વિના પુનઃપ્રકાશિત કર્યુ છે